માજિદ ભાણું આણી ટોળકીએ પ્ર.નગર પોલીસના જવાનો પર કર્યો’તો પથ્થરમારો
Rajkot,તા.15
શહેરના રૂખડીયાપરામાં ધમાલ મચાવ્યા બાદ માજિદ ભાણું અને ઇશોભા દલ આણી ટોળકીએ જામનગર રોડ પર પેટ્રોલિંગમાં રહેલા પ્ર.નગર પોલીસના બે જવાનો સાથે ઝપાઝપી કરી પથ્થરમારો કર્યો હતો. જે મામલે અગાઉ એસઓજીએ માજિદ ભાણુંને ઝડપી લીધા બાદ એલસીબી ઝોન-2 ની ટીમે ઇશોભા દલને નાના મવા સર્કલ નજીકથી ઝડપી લીધો છે. ગંભીર ગુનામાં પકડવામાં બાકી તેમજ નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવાની સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને એલસીબી ઝોન-2 ટીમના ઇન્ચાર્જ પીએસઆઈ જે વી ગોહિલની ટીમો પ્રયત્નશીલ હતી. દરમિયાન પ્રનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ પોલીસ ફરજમાં રૂકાવટ કરી ઝપાઝપી, ગાળા ગાડી કરી પોલીસ જવાનો પર પથ્થરના ઘા કરી મોટર સાયકલમાં તોડફોડ કરવાના ગુનામાં તેમજ યુનિવર્સીટી પોલીસ સ્ટેશનના રૂપિયા 75 લાખનો હવાલો લઈ યુવકનું સ્કોર્પિયો ગાડીમાં અપહરણ કરી માર મારવાના ગુનામાં નાસ્તો ફરતો કુખ્યાત ઈશોભા રિઝવાનભાઈ દલ નાના મવા સર્કલ પાસે આવેલ આવાસ યોજનાના ક્વાર્ટર ખાતે હોવાની ચોક્કસ બાતમીના આધારે એલસીબી ઝોન 2 ની ટીમ નાના મવા સર્કલ ખાતે દોડી ગઈ હતી અને આવાસ યોજનાના ક્વાર્ટર ખાતે અલગ અલગ ટીમો બનાવી ઇશોભાને ઝડપી લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, આશરે ચાર માસ પૂર્વે માજીદ ભાણું અને ઇશોભા દલ આણી ટોળકીએ જૂની અદાવતનો ખાર રાખી મહિલાના મકાન પર સોડા બોટલનો ઘા કર્યો હતો. જે બનાવ અનુસંધાને પ્રનગર પોલીસના પીઆઇ સહિતનો કાફલો રૂખડીયાપરામાં દોડી ગયો હતો. દરમ્યાન પેટ્રોલિંગમાં રહેલા પ્રનગર પોલીસના બે જવાનો જામનગર રોડ સ્થિત સ્લ્મ વિસ્તાર ખાતે પહોંચતા માજીદ ભાણું અને ઈશોભા દલ આણી ટોળકીએ બંને પોલીસ જવાનો સાથે ગાળાગાળી, ઝપાઝપી કરી છૂટા પથ્થરના ઘા કરી વાહનમાં તોડફોડ કરી હતી અને ત્યારબાદ નાસી ગયા હતા જે ગુનામાં અગાઉ એસઓજીએ માજિદ ભાણુને ઝડપી લઇ ભાંભરડા નખાવ્યા બાદ હવે એલસીબીએ ઇશોભા રિઝવાન દલ(ઉ.વ. 21 રહે.હુડકો ક્વાર્ટર, જામનગર રોડ, રાજકોટ)ને પકડી પ્રનગર પોલીસને સોંપી દીધો છે.