અનૈતિક સંબંધની શંકાએ પતિએ પત્નિનું ઢીમ ઢાળી દીધું હતું
Rajkot,તા.15
શહેરમાં અનૈતિક સંબંધની શંકાએ પત્નિની હત્યા કરવાના કેસમાં સંડોવાયેલા આરોપી પતિએ 30 દિવસ જેલ મુક્ત થવા માનવતાના ધોરણે કરેલી જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે.આ કેસની હકિકત મુજબ મૂળ મહારાષ્ટ્ર અને રાજકોટમાં જીવરાજ પાર્ક અંબિકા ટાઉનશીપમાં રહેતા આરોપી ગુરપ્પા મલ્લપ્પા જિરોલીએ પોતાની પત્નિને પરપુરુષ સાથે અનૈતિક સંબંધ હોવાની શંકાએ માથાના કપાળના ભાગે સિમેન્ટના બ્લોક માર મારી હત્યા કરી હતી. જે અંગે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં પત્નીના હત્યારા પતિ ગુરપ્પા મલ્લપ્પા જિરોલી સામે હત્યાની ફરીયાદ નોંધાઇ હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જેલ હવાલે રહેલા આરોપી ગુરપ્પા મલ્લપ્પા જિરોલીએ બીમાર માતાના ભરણપોષણ માટે મદદરૂપ થવા તેમજ મામાના દિકરા ગૌરીશંકરના તા.૧૬/૦૫/૨૦૨૫ ના લગ્નમાં પ્રત્યક્ષ હાજરી આપવાના કારણોસર માનવતાના ધોરણે ૩૦ દિવસના વચગાળાના જામીન ઉપર છુટવા એડી. એન્ડ ડીસ્ટ્રીકટ સેશન્સ કોર્ટેમાં જામીન અરજી કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજૂઆત બાદ સરકાર પક્ષે રોકાયેલા સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઈ એડી. એન્ડ સેશન્સ કોર્ટે આરોપી ગુરપ્પા મલ્લપ્પા જિરોલીએ માનવતાના ધોરણે કરેલી જામીન અરજી નામંજુર કરતો હુકમ કર્યો છે.