Rajkot,તા.15
શહેરના ગુંદાવાડી વિસ્તારમાં રહેતા અને સોની બજારમાં દુકાન ધરાવનાર સોની વેપારીએ તેમની પાડોશમાં રહેતા સોની વેપારી સામે રૂપિયા 37.51 લાખની છેતરપિંડી કર્યા અંગે ફરિયાદ નોંધાવી છે. આરોપી વેપારી પાસેથી સોનાના દાગીના વેચવા માટે લઈ ગયા બાદ તે પૈકી 387.331 ગ્રામ ફાઈન ગોલ્ડ પરત નહીં આપી છેતરપિંડી કરી હતી. જે અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી છે.છેતરપિંડીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગુંદાવાડી શેરી નંબર 25 માં સાગર એપાર્ટમેન્ટની સામે રહેતા તેજસભાઈ દિનેશભાઈ આડેસરા (ઉ.વ 46) દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે લક્ષ્મીવાડી મેઇન રોડ ધૃવિલ પેલેસ એપાર્ટમેન્ટ ફલેટ નં. 101 માં રહેતા બીપીન કુમુદભાઈ આડેસરાનું નામ આપ્યું છે.
દરમિયાન એક વર્ષ પૂર્વે અલગ અલગ સમયે બીપીન ફરિયાદી પાસેથી સોનાના દાગીના અને ફાઇન સોનુ લઈ ગયો હતો. ત્યારબાદ તા. 11/7/2024 ના તેણે કેટલુક સોનું પરત આપ્યું હતું. પરંતુ હજુ વેપારીને 387.371 ગ્રામ ફાઈન ગોલ્ડ બીપીનભાઈ પાસેથી લેવાનું નીકળતું હતું. જે તેણે ડાયરીમાં લખી આપ્યું હતું. જેની કિં.રૂ 37,51, 500 થતી હોય આ બાકી નીકળતું સોનું પરત આપવા માટે વેપારી અવારનવાર બીપીન પાસે માંગણી કરતા તેણે કહ્યું હતું કે, મારો માલ વાઘેશ્વરી જ્વેલર્સ વાળાને આપ્યો છે. પરંતુ આ વાઘેશ્વરી જ્વેલર્સવાળા મયુર બટુકભાઈ કાત્રોડીયા ગત તા. 18/5/2024 ના રાજકોટ મૂકીને જતા રહ્યા હોય તે મને જ્યારે સોનુ આપશે ત્યારે હું તમને સોનું આપીશ તેવું કહ્યું હતું. ત્યારબાદ આજદિન સુધી અવારનવાર વેપારી ઉઘરાણી કરવા છતાં બીપીને સોનુ પરતના આપતા સમાજના આગેવાનો સાથે વાત કરતા બંને વચ્ચે સમાધાન થયું હતું. પરંતુ ત્યારબાદ પણ બીપીને સોનુ પરત ન આપતા અંતે સોની વેપારીએ તેમની સાથે થયેલી રૂપિયા ૩૭.૫૧ લાખની છેતરપિંડી અંગે બીપીન કુમુદભાઈ આડેસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. એ ડિવિઝન પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઇ એમ.આર.મકવાણા ચલાવી રહ્યા છે.