વિંછીયાની ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા યુવકને માંગરોળના દંપતી સહીત ત્રણ શખ્સોંએ છેતર્યા
Rajkot,તા.15
વિંછીયાની ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા યુવાનને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડેટા ઓપરેટર કમ ક્લાર્કની નોકરી અપાવી દેવાના નામે માંગરોળના શખ્સે રૂ. 10 લાખ પડાવી લીધાનો બનાવ સામે આવ્યો છે. જે મામલે વિંછીયા પોલીસમાં આશિષ રાઠોડ, તેની પત્ની લક્ષ્મી અને ભાઈ કમલેશ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
મામલામાં વિંછીયાના સનાળી ગામે રહેતા અને ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા 37 વર્ષીય યુવાન મહેશભાઇ રામજીભાઈ પરમારે વિંછીયા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ત્રણેક વર્ષ પહેલા હું ગાંધીનગર ખાતે ટેટ પાસ કરેલ હોય જેથી ડોકયુમેન્ટ વેરીફીકેશન માટે ગયેલ હતો. ત્યારે મિત્ર કાનજીભાઈ જહાભાઈ સુમાણીયા (રહે.ભદ્રાવડી,બોટાદ) મારી સાથે આવેલ હતા. અમારી બન્નેની મુલાકાત ગાંધીનગર ખાતે અમારા સમાજના આશીષભાઈ દાનાભાઈ રાઠોડ સાથે થયેલી અને તેમણે તેમની ઓળખાણ માંગરોળ અર્બન મેડીકલ ઓફીસર તરીકેની આપેલ હતી અને નોકરી બાબતે કંઈ ૫ણ મારી જરૂરીયાત હોય તો મારો તમારે સંપર્ક કરવો તેમ જણાવ્યું હતું. અઢી વર્ષ પહેલા અમારા સનાળી ગામે સામાજીક પ્રસંગમા આશીષભાઈ દાનાભાઈ રાઠોડ મળતા તેમણે આરોગ્ય પરીવાર કલ્યાણ ગાંધીનગરમાં મારૂ ચાલે છે અને મારા ભાઇ કમલભાઈ રાઠોડ અને પત્ની લક્ષ્મીબેન આરોગ્ય પરીવાર કલ્યાણ ગાંધીનગરમા કામ કરે છે તેમજ હુ રાજકોટ સરકારી હોસ્પીટલમા તમને ડેટા ઓપરેટર કમ કલાર્ક વર્ગ-૩ મા નોકરી અપાવી દઈશ તેવું કહી રૂ. 10 લાખની માંગણી કરી હતી.
બાદમાં નોકરી અંગે ટેલિફોનિક વાતચીત થતાં આશીષ રાઠોડ તેમની ફોરવ્હીલ ગાડી લઈને અમારા ઘરે આવેલા ત્યારે રૂ. 5 લાખ રોકડા આપ્યા હતા અને બાકીના 5 લાખ થોડા દિવસ બાદ આપવાનું જણાવ્યું હતું. થોડા દીવસ પછી આશિષએ ફોન કરીને નોકરીનો ઓર્ડર થઇ ગયો છે તેમ જણાવ્યું હતું. બાદમાં નોકરીનો ઓર્ડર જોવા ગાંધીનગર લઇ ગયો હતો પણ સાહેબ રજા પર છે કહી ઓર્ડર બતાવ્યો ન હતો. થોડા દિવસ બાદ આશિષની પત્ની અમારા ઘરે આવી ત્યારે ત્રણ લાખ રોકડ તેને આપ્યા હતા. થોડા દિવસ બાદ આશિષનો ભાઈ કમલેશ ઘરે આવતા રૂ. 2 લાખ રોકડા આપ્યા હતા. બાદમાં નોકરી અંગે ગોળ ગોળ જવાબ આપતાં ફરિયાદી માંગરોળ જતાં તેણે વિશ્વાસ ન હોય તો સિક્યુરિટી પેટે બે અલગ અલગ ચેક આપેલ હતા. બાદમાં ચેકનો સમય પૂર્ણ થઇ જતાં નોકરી કે પૈસા અંગે કોઈ જવાબ નહિ આપતાં અંતે યુવકે ફરિયાદ નોંધાવી હતી.