Rajkot,તા.16
સૌરાષ્ટ્રમાં કમૌસમી માવઠા ચોમાસાની જેમ વરસી રહ્યા છે. તેમને પણ ગઈકાલે સાંજે રાજકોટમાં અનરાધાર વરસાદ ખાબકતા અનેક વિસ્તારો જળબંબાકાર બની ગયા હતાં. તો ટંકારા તાલુકામાં પણ ભારે પવન સાથે કમૌસમી વરસાદ પડતા ટાઢક પ્રસરી ગઈ હતી.
રાજકોટમાં ભારે પવન સાથે બે ઈંચ વરસાદ પડતા સદરના ગવલીવાડમાં ઘરોમાં વરસાદી પાણી ઘુસી ગયા હતા. તો રાજમાર્ગો પણ જળબંબાકાર બનતા કોર્પોની ચોમાસાની પ્રિ-મોન્સુન કામગીરી ખુલ્લી પડી હતી ત્રણેક જગ્યાએ વૃક્ષ પણ પડી ગયા હતાં લગભગ બે કલાક માટે અનેક વિસ્તારો પાણીથી ધેરાયેલા રહ્યા હતાં.
ટંકારા:-
મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગુરુવારે બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કેટલાક ગ્રામ્ય વિસ્તારોની અંદર કમોસમી વરસાદ શરૂ થયો હતો અને થોડી જ વારમાં ગામના રસ્તા ઉપરથી વરસાદી પાણી વહેવા લાગ્યા હતા.
હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તેવામાં મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં ગુરુવારે બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અચાનક જ કમોસમી વરસાદ શરૂ થયો હતો જે અંગેની સ્થાનિક લોકો પાસેથી મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના ખીજડીયા, લજાઈ, નેસડા સુરજી વગેરે જેવા ગ્રામ્ય વિસ્તારોની અંદર અસહ્ય બફારો હતી.
ત્યાર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો અને ગણતરીની મિનિટોમાં જ ગ્રામ્ય વિસ્તારના મુખ્ય માર્ગો ઉપરથી કમોસમી વરસાદના પાણી વહેવા લાગ્યા હતા.
જોકે મોરબી શહેર અને અન્ય તાલુકા વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો ન હતો અને બફારો હતો જેથી લોકો પણ હવે વરસાદની આતુરતાથી રાહ જોતા હોય તેવું જોવા મળ્યું હતું.
જામનગર:-
જામનગર શહેરમાં આજે ત્રીજા દિવસે પણ તાપમાનમાં વધઘટ નજીવી જોવા મળી હતી. માવઠાએ પછી આકાશમાં વાદળછાયા વાતાવરણમાં મહતમ તાપમાનનો પારો 36.6 ડિગ્રી અને લઘુતમ તાપમાન 26.7 ડિગ્રી નોંધાયુ હતું.જ્યારે ભેજનું પ્રમાણ 75 ટકા અને પવનની ગતિ પ્રતિકલાક 11.4 કિમિ રહી છે.ભેજનું પ્રમાણ વધુ હોય લોકોએ અસહ્ય બફારો અનુભવ કર્યો હતો.
સુરેન્દ્રનગર:-
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 2-3 દિવસથી વરસાદ ન થતાં જિલ્લાવાસીઓ જતા ઉનાળાના આકરા તાપ અને બફારાનો અનુભવ કરી રહ્યા છે. જેમાં ગુરૂવારે પણ રાહત મળવા પામી ન હતી. મૂળીમાં વરસાદ થવા પામ્યો હતો. શુક્રવારે મૂળી, સોમાસર, ભાડુકા, દાણાવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં બપોરે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.
વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જ્યારે સાયલામાં ગુરૂવારે સાંજે પવન સાથે બદલાયેલા વાતાવરણમાં સાયલા અને સિદ્ધસરની સીમમાં વરસાદી ઝાપટું શરૂ થતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા હતા. ગુરૂવારે લઘુતમ તાપમાન 28 અને મહત્તમ 41 ડિગ્રી જ્યારે હવાની ગતિ 10 કિમી, ભેજ 46 ટકા નોંધાયો હતો.
ભાવનગર:-
ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ વિખેરાતા ફરી ગરમી નું જોર વધી રહ્યું છે. આજે 20 કી.મી. ની ઝડપે પવન ફૂંકાવવા છતાં બફારાને કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા.
ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન વધીને 38.5 ડિગ્રી નોંધાયું હતું જ્યારે આજનું લઘુત્તમ તાપમાન 27.7 ડિગ્રી રહેવા પામ્યું હતું. આજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 47% રહ્યું હતું. જ્યારે પવનની ઝડપ 20 કી.મી. પ્રતિ કલાકની રહી હતી.
અમરેલી:-
તા.15 થી તા. 20 દરમિયાન અમરેલી જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મઘ્યમ વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. આવા સમયે વાદળછાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડુતો પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે, તેમ છતાં તકેદારીનાં પગલા લેવા રાજયનાખેડુતોને સંદેશ આપવામાં આવ્યો છે.
આ અંગે વધુ જાણકારી સંબંધિત વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ), કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર – 18001801551 નો સંપર્ક કરવો તેમ અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીએ એક યાદીમાં જણાવ્યું છે.