Odisha,તા.17
ઓડિશામાં શુક્રવારે તેજ વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો. આ સાથે અનેક જગ્યાએથી વીજળી પડવાના સમાચાર પણ સામે આવ્યા હતાં. વિવિધ જગ્યાએથી વીજળી પડવાની ઘટનામાં 6 મહિલા સહિત ઓછામાં ઓછા 9 લોકોના મોત નિપજ્યા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે.મળતી માહિતી અનુસાર, કોરાપુટ જિલ્લામાં ત્રણ લોકોના વીજળી પડવાના કારણે મોત નિપજ્યા છે. જોકે, જાજપુર અને ગંજામ જિલ્લામાં બે-બે અને ઢેંકાનાલ તેમજ ગજપતિ જિલ્લામાં 1-1 વ્યક્તિના મોત નિપજ્યા છે. વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, કોરાપુટ જિલ્લાના લક્ષ્મીપુર પોલીસ સ્ટેશનના વિસ્તારના પરીડીગુડા ગામમાં શુક્રવારે બપોરે વીજળી પડવાના કારણે ત્રણ મહિલાના મોત નિપજ્યા છે અને એક વડીલ ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થયા છે. ત્રણેય એક જ પરિવારના સભ્ય હતાં, જે ભારે વરસાદના કારણે ખેતરમાં કામ કરતા સમયે એક ઝૂંપડીમાં આશરો લઈ રહ્યા હતાં. ઝૂંપડી પર વીજળી પડવાથી ત્રણેય મહિલાના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતાં. જાજપુર જિલ્લાના ધર્મશાલા વિસ્તારમાં વિજળી પડવાથી બે યુવકોના મોત નિપજ્યા હતા.