Russia,
રશિયા અને ઈઝરાયલે પોતે મહાસત્તા હોવાની ધોંસ જમાવવા શરૂ કરેલા યુદ્ધો હવે અતિ ગંભીર સ્વરૂપ લઈ રહ્યા છે. ભારત, અમેરિકા સહિત વિશ્વભરના દેશોએ રશિયાના વડા પુતિન અને ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુને શાંત પડવા અનેક વખત સમજાવ્યા, સાથે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીને પણ નમતું જોખવા સહમત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આ બધી કવાયતનો કોઈ અર્થ સર્યો હોય તેવું લાગતું નથી. ઈઝરાયલ અને હમાસ વચ્ચે એક તબક્કે યુદ્ધવિરામ થયો હતો, જે કેટલાક દિવસ માંડ ચાલ્યો. ત્યાર પછી ઈઝરાયલે ફરી એક વખત ગાઝાને ઘમરોળતા હવાઈ હુમલા શરૂ કરી દીધા હતા.હમાસનો ખાત્મો બોલાવી દેવાની હાકલ કરીને યુદ્ધે ચઢેલા ઈઝરાયલે શનિવાર-રવિવારની રાતે ગાઝા પટ્ટી પર હવાઈ હુમલો કરતા અનેક બાળકો સહિત 103 લોકોનાં મોત નીપજ્યાં હતા. ઈઝરાયલે બે દિવસમાં બાળકો અને મહિલાઓ સહિત 250થી વધુ લોકોનો ભોગ લીધો હતો. ઈઝરાયલે હવાઈ હુમલામાં સામાન્ય નાગરિકો જ નહીં ઈજાગ્રસ્તોની સારવાર કરી રહેલી હોસ્પિટલોને પણ નિશાન બનાવી હતી. ઈઝરાયલના આ વિનાશ સામે દુનિયા અંધ અને મૂકબધીર બનીને જોઈ રહી છે ત્યારે ઈઝરાયલે હવે નવેસરથી ટેન્કો સાથે જમીની સ્તર પર સૈન્ય કાર્યવાહીની તૈયારી શરૂ કરી છે. ઈઝરાયલના હવાઈ હુમલા એટલા ઘાતક હતા કે સ્થાનિક તંત્રે ઉત્તરીય ગાઝાની મુખ્ય હોસ્પિટલ બંધ કરી દેવાની ફરજ પડી હતી.