પોલીસની બોલેરો ઉપરાંત પાંચેક ટુ-વ્હીલરો દબાઈ ગયા
Rajkot,તા.19
શહેર પોલીસ કમિશનર કચેરી સામે વૃક્ષ ધરાશાયી થતા પોલીસમેન અને ટ્રાફિક બ્રિગેડ ઘવાયા હતા. જ્યારે પોલીસની સરકારી બોલેરો ઉપરાંત પાંચ જેટલાં ટુ-વ્હીલર વૃક્ષ નીચે દબાઈ જતા નુકસાની સર્જાઈ હતી. ઘવાયેલા ટ્રાફિક બ્રિગેડનું માથું ફૂટી જતા તેને તાત્કાલિક સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. એકાએક ધરાશાયી થયેલ વૃક્ષને લીધે થોડીવાર માટે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી.
પ્રાપ્ત વિગત અનુસાર પોલીસ કમિશનર કચેરી સામે આજે બપોરે 12 વાગ્યા આસપાસ એક વૃક્ષ ધરાસાયી થયું હતું. દરમિયાન સરકારી બોલેરોમાંથી નીચે ઉતરી રહેલા ટ્રાફિક વોર્ડનના માથામાં ગંભીર ઈજા પહોંચતા લોહીલુહાણ થઇ ગયો હતો. જ્યારે પોલીસમેન નરપતસિંહ જાડેજાને પણ છોલછાલ જેવી સામાન્ય ઇજાઓ પહોંચી હતી. બાદમાં તાત્કાલિક ટ્રાફિક બ્રિગેડને ખાનગી વાહનમાં સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
વૃક્ષ ધરાશાયી થતા પોલીસની સરકારી બોલેરો ઉપરાંત પાંચેક ટુ-વ્હીલર વૃક્ષની નીચે દબાઈ ગયા હતા. જેના લીધે વાહનોમાં નુકસાની પહોંચી હતી. બનાવને પગલે સહેજવાર માટે ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ હતી જોકે થોડી જ વારમાં પોલીસના જવાનોએ ટ્રાફિક ક્લીયર કરાવી દીધો હતો. બીજી બાજુ ફાયર બ્રિગેડને આ બાબતે જાણ કરાતા વૃક્ષને રોડ પરથી સાઈડમાં ખસેડવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.