શરાબ, કાર, મોબાઈલ મળી રૂ. 3.58 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ ,દારૂનો જથ્થો મોકલનાર નાની મોલડીના શખ્સની શોધ ખોળ
Rajkot,તા.19
શહેરની ભાગોળે આવેલ નવાગામ આણંદપરના વંડામાં ચોરખાનામાં અને કારમાંથી રૂ. 2.53 લાખની કિંમતનો 204 બોટલ દારૂ અને 135 બિયરના ટીન સાથે ક્રાઇમ બ્રાન્ચે સુરેશ વિકમાની ધરપકડ કરી છે જયારે દારૂનો જથ્થો મોકલનાર નાની મોલડીના રાજદીપ કાઠીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. દારૂ, બિયર, કાર અને મોબાઈલ મળી રૂ. 3.58 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. નવાગામ (આણંદપર) દેવનગર ઢોરા મફતિયાપરા ખાતે રહેતો સુરેશ વિકમાએ તેના નવા બનતા મકાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઉતાર્યો છે. જેથી આ બાતમીના આધારે પોલીસની ટીમ અહીં પહોંચી હતી.
અહીં એક શખસ હાજર હોય તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ સુરેશ દોલુભાઈ વીકમા(ઉ.વ 38 રહે. નવાગામ આણંદપર, રામેશ્વર સોસાયટી, ટાવરવાળી શેરી) હોવાનું જણાવ્યું હતું. વંડાની અંદર તપાસ કરતા ડેલાની બાજુમાં એક ચોરખાનું મળી આવ્યું હતું. જેમાં દારૂનો જથ્થો છુપાવ્યો હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે આ ચોરખાનામાંથી અલગ અલગ બ્રાન્ડની દારૂની ૨૦૪ બોટલ અને બીયરના ૧૩૬ ટીન સહિત કુલ રૂ. 2,53,800 નો દારૂ-બિયરનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે દારૂ બિયરનો આ જથ્થો તથા અહીં પડેલી સ્વીફટ કાર નંબર જીજે ૬ એફ.સી 0994 મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 3,58,800 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
દારૂના જથ્થા સાથે ઝડપાયેલા સુરેશ દોલુભાઈ વિક્માની પૂછતાછ કરતા દારૂનો આ જથ્થો તે ચોટીલાના નાની મોલડીમાં રહેતા લાલો કાઠી પાસેથી લાવ્યો હોવાની કબુલાત આપતા પોલીસે બંને સામે ગુનો નોંધી લાલો કાઠીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.