અપહરણ, ચિલઝડપ, રાયોટિંગ, ચોરી સહિત 10થી વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા અસામાજિક તત્વ વિરુદ્ધ લાલ આંખ
Rajkot,તા.19
શહેરમાં વધુ એક ગુનેગારના મકાન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. પોપટપરા શેરી નં.9માં રહેતા અને ગેરકાયદે દબાણ કરનાર અજય માનસિંગ પરસોંડાના ઘર પાસે શુક્રવારે સાંજે ક્રાઇમ બ્રાન્ચ સહીતની પોલીસ, મહાનગરપાલિકા અને પીજીવીસીએલની ટીમ પહોંચી હતી. અજયના કબજાના મકાન અને ઓરડીનું ગેરકાયદે વીજજોડાણ કાપી નાખ્યા બાદ તેના મકાન અને ઓરડી પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. મકાન ધરાશાયી કરતી વખતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અજય પરસોંડા વાહન ચોરી, અપહરણ, રાયોટિંગ, લૂંટ અને ચીલઝડપ સહિત 15 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. ગુનેગારના મકાનને ધરાશાયી થતું જોવા વિસ્તારના લોકો ટોળે વળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ અપહરણ, રાયોટિંગ, ચીલઝડપ સહિતના ગુનામાં ઝડપાયેલ અજય પરસોંડા વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચે લાલ આંખ કરી મનપા, પીજીવીસીએલ સહિતના તંત્ર સાથે સંકલન કરી ડિમોલીશન હાથ ધર્યું હતું.