Rajkot, તા.20
રાજકોટ મનપામાં સ્ટેન્ડિંગ કમીટીની ગત મીટીંગ પૂર્વે મળેલી ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોની સંકલન મીટીંગમાં મ્યુનિ.આરોગ્ય અધિકારી ડો.જયેશ એલ.વકાણી સામે વ્યાપક અનેકવિધ ફરિયાદો ઉઠયા બાદ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે સમગ્ર મામલાને અત્યંત ગંભીરતાથી લઈને આ અંગે મ્યુનિ.કમિશ્નરે તુષાર સુમેરાને તાત્કાલિક અસરથી પગલા લેવા આદેશ કર્યો હતો. દરમિયાન આવતીકાલે મળનારી જનરલ બોર્ડ મીટીંગ પૂર્વે મ્યુનિ.કમિશ્નર તુષાર સુમેરાએ આરોગ્ય અધિકારીના પીંછા ખેરીને પાંખો કાપી લેતો હુકમ કર્યો છે. જેમાં આરોગ્ય અધિકારીની તમામ નાણાંકીય સત્તાઓ છીનવી લેવાઈ છે તેમજ અન્ય સત્તાઓમાં પણ મોટો કાપ મૂકયો છે. તદઉપરાંત તેમના હસ્કતની રોજિંદી કામગીરી પણ ડેપ્યુટી કલેકટર મઘ્યાહન ભોજનને સોંપી દેતા ખળભળાટ મચી ગયો છે.
વિશેષમાં આ અંગે મ્યુનિ.સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ભાજપ પાર્ટી સંકલનની મીટીંગમાં લગભગ તમામ વોર્ડના મળી કુલ ૬૬ જેટલા કોર્પોરેટરની આરોગ્ય અધિકારી વિરૂઘ્ધ એવી વ્યાપક ફરિયાદો હતી કે આરોગ્ય અધિકારી ડો.જયેશ એલ.વકાણી સામાન્ય કામગીરીમાં પણ સહકાર આપતા નથી. નકારાત્મક અભિગમ દાખવે છે તદઉપરાંત પ્રસાદી પઘ્ધતિથી વહીવટ કરતા હોવા સહિતની અનેક ફરિયાદો મળ્યા બાદ સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન જયમીન ઠાકર લાલઘુમ થયા હતા.