Rajkot,તા.20
શહેરના ભગવતીપરા વિસ્તારમાં ચેકિંગ માટે ગયેલા પોલીસમેન સાથે અહીં રહેતા શખસે માથાકૂટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે કોન્સ્ટેબલની ફરિયાદ પરથી બી ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, બી ડિવિઝન પોલીસ મથકમાં લોકરક્ષક તરીકે ફરજ બજાવનાર અજયભાઈ વિઠ્ઠલભાઈ ચૌહાણ દ્વારા નોંધાવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભગવતીપરામાં રહેતા રફીક પઠાણનું નામ આપ્યું છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉ પોલીસ ચોપડે ચડી ચૂકેલા ગુનેગારોને ચેક કરવાની કામગીરી સોંપવામાં આવી હોય જેથી તેઓ આ કામગીરીમાં હતા. દરમિયાન તેમને પિતરાઈ ભાઈ રાહુલ રસ્તામાં મળતા તેને ઓમ પાર્કમાં જવાનું હોય જેથી ફરિયાદીએ તેને હું તને ઘરે મૂકી દઈશ તેવું કહ્યું હતું. બે ત્રણ એમસીઆર ચેક કરવાના છે ચેક કરી તેને ઘરે મૂકી જઈશ. બાદમાં ભગવતીપરા શેરી નંબર 14 માં રહેતા સલીમ ઉર્ફે સલુ બાપુ હનીફશાહ શાહમદારને ચેક કરવા તેનું ઘર શોધતા હતા.
દરમિયાન રાત્રિના 12 બાર વાગ્યા આસપાસ ભગવતીપરા મોડર્ન સ્કૂલની સામેના ભાગે વિનોબા ભાવે આવાસ યોજના ક્વાર્ટરની બાજુમાં અહીં રસ્તાનું કામ ચાલુ હોય બાઇક ઉભું રાખી પરત લેવા જતા પાછળથી એકટીવામાં આવેલ શખસ જેની સાથે એક નાની બાળકી હોય તેણે કહ્યું હતું કે તમે કોણ છો? અહીં કેમ આવ્યા છો જેથી ફરિયાદીએ પોતાની ઓળખ આપી ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈસમોને ચેક કરવા આવ્યાનું જણાવ્યું હતું. તેમ કહેતા આ શકશે પોતાનું નામ રફીક હોવાનું જણાવી કહ્યું હતું કે, પોલીસ હોય તો શું થઈ ગયું? આ મારો વિસ્તાર છે અહીં પોલીસને આવવાની મનાઈ છે છતાંય તે અહીં આવવાની હિંમત કેમ કરી? મારા વિસ્તારમાં કોઈને ચેક કરવા આવું નહીં નહિતર તને સબક શીખડાવો પડશે. તેમ કહી ગાળો આપવા લાગ્યો હતો. ગાળો આપવાની ના કહેતા રફીકે કહ્યું હતું કે તું પોલીસ વાળો છે તો બહુ ચરબી આવી ગઈ છે આજે તો તને જવા દીધો છે હવે પછી આ વિસ્તારમાં આવીશ તો જીવતો નહીં જવા દઉં. આ અંગે કોન્સ્ટેબલની ફરિયાદ પરથી બી ડિવિઝન પોલીસે આરોપી રફીક પઠાણ સામે પોલીસ ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.