શ્રી દીનાનાથ ક્રેડીટ કો.ઓ.સોસાયટીને એક માસમા વળતર ન ચુકવે તો વધુ એક માસની જેલ
Rajkot,તા.20
શ્રી દીનાનાથ ક્રેડીટ કો.ઓ.સોસાયટીને ચુકવણી માટે આપેલો ચેક રિટર્ન થવાના કેસમાં કોર્ટે મહિલા લોનધારકને એક વર્ષની કેદની સજા અને ચેક મુજબની રકમ એક માસમાં ન ચૂકવે તો વધુ એક માસની કેદની સજાનો હૂકમ ફરમાવ્યો છે.આ કેસની હકીકત મુજબ આરોપી રૂકશાના ફિરોઝભાઈ લાલાણીએ શ્રી દીનાનાથ ક્રેડીટ કો.ઓ.સોસાયટીમાંથી જાત-જામીનની લોન લીધી હતી. જેના ચડત હપ્તા પેટે આપેલો રૂ.૧,૨૮,૩૪૮નો ચેક “ફંડસ ઈન્સફીસીયન્ટ”ના શેરા સાથે પરત ફરતા આરોપીને કાનૂની નોટિસ પાઠવવા છતાં ચેક મુજબની રકમની ચૂકવણી નહી કરતા ફરિયાદી સોસાયટીએ આરોપી રૂકશાના ફિરોઝભાઈ લાલાણી વિરુધ્ધ રાજકોટની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. જે કેસ કોર્ટમાં ચાલી જતા તેમાં બંને પક્ષની રજૂઆત બાદ ફરિયાદીના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલ અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઈ કોર્ટે લોનધારક રૂકશાના લાલાણીને એક વર્ષની કેદની સજા અને ચેક મુજબની રકમ એક માસમાં ન ચૂકવે તો વધુ એક માસની કેદની સજાનો હૂકમ ફરમાવ્યો છે.આ કેસમાં ફરિયાદી વતી રાજકોટના ધારાશાસ્ત્રી હેમલ બી. ગોહેલ અને કોમલ એસ. કોટક રોકાયા હતા.