કાપડના વેપારી પાસેથી ધંધાના વિકાસ માટે 10 લાખ રૂપિયા લીધા હતા
Rajkot,તા.21
શહેરના હોલસેલ રેડીમેડ અને કાપડના વેપારી પાસેથી ધંધાના વિકાસ માટે શો રૂમધારક પિતા પુત્રે ઉછીના લીધેલા રૂપિયા પાંચ પાંચ લાખ પરત કરવાના બે ચેક રિટર્ન થવાના કેસમાં અદાલતે પિતા પુત્ર બંનેને અલગ અલગ એક એક વર્ષની સજા અને ચેકની રકમ ફરિયાદીને વળતર તરીકે ચુકવી દેવાનો હુકમ કર્યો છે.વધુ વિગત મુજબ શહેરમાં શ્યામ લાઈફ સ્ટાઈલના નામે રેડીમેઈડ, હોલસેલ કાપડનો વ્યવસાય કરતા દિનેશભાઈ પોપટભાઈ ભુત્ત અને શ્યામ દિનેશભાઈ ભુત પિતાપુત્રે બડા બજારના નામે રેડીમેઈડ અને હોલસેલ કાપડ ધંધાર્થી રાજેન્દ્રસિંહ ઘોઘુભા જાડેજા પાસેથી વેપારી સંબંધો હોવાના કારણે ધંધા માટે બંને પિતા-પુત્રએ પ્રોમિસરી નોટો લખી આપી અને ૫-૫ લાખ રૂપીયા કુલ રૂા. ૧૦ લાખ ઉધાર લીધા હતા. ત્યારબાદ રાજેન્દ્રસિંહ જાડેજાને ઉપરોકત રકમ પરત માંગતા બંને પિતા પુત્રે આપેલા ચેક પોતાની બેન્કમાં કલીયરિંગમાં નાખતા સદરહુ ચેક દિનેશભાઈ ભુતે પેમેન્ટ સ્ટોપ કરાવેલું અને તેના પુત્ર શ્યામ ભુતનો ચેક એકાઉન્ટ કલોઝ્ડની નોંધ સાથે પરત ફર્યો હતો. જેથી રાજેન્દ્રસિંહ જાડેજાએ તેમના વકિલ મારફત લીગલ ડિમાન્ડ નોટીસ આપવા છતા કોઈ રકમ પણ આપેલી નહી, તેથી આરોપી તરફથી જ્યાં સુધી વિરુધ્ધનું પુરવાર ન થાય ત્યાં સુધી ચેક લેનારની તરફેણમાં ચેક અપાયો છે તેમ માનવાનું છે, વગેરે ફરિયાદ પક્ષની રજૂઆતો દલીલો ધ્યાને લઈને અદાલતે આ કેસમાં લેસમાત્ર પુરાવો આરોપીઓ શ્યામભાઈ ભુત અને દિનેશભાઈ ભુતે આપેલ નથી, તેમજ કોર્ટમાં પ્રોસિડિંગ્સની પણ અવગણના કરી હોવાનું ઠરાવી આરોપી પિતા પુત્ર સામેનો કેસ નિ:શંકપણે સાબિત માનીને પિતા–પુત્ર શ્યામ દિનેશભાઈ ભુત અને દિનેશ પોપટભાઈ ભુત બંનેને અલગ-અલગ કેસમાં કુલ રૂા. ૧૦ લાખ વળતર ફરીયાદીને ચુકવવા તેમજ બંને પિતા-પુત્રને એક-એક વર્ષની જેલ સજાનો હુકમ ફરમાવેલ છે. આ કેસમાં ફરીયાદીના એડવોકેટ તરીકે વરીષ્ઠ ધારાશાસ્ત્રી મહેશભાઈ ત્રિવેદી, કિરીટ સાયમન, કિશનભાઈ જોષી, ઘનશ્યામ અકબરી, હર્ષભાઈ ત્રિવેદી, પાર્થ વાઘેલા, મયંકભાઈ હર્ષ તથા મૌલિક સિંહ ડોડિયા એડવોકેટ તરીકે રોકાયા હતા.