બિઝનેસમેન ચેકની રકમ રૂા.૧૦ લાખ એક માસમા ફરીયાદીને ચુકવવામાં કસુર ઠરે તો વધુ છ માસની સજા
Rajkot,તા.21
શહેરના રહેતા બિઝનેસમેનએ ધંધાના વિકાસ માટે લીધેલા નાણા પૈકી રૂપિયા દસ લાખ પરત કરવાનો ચેક રિટર્ન થવાના કેસમાં અદાલતે આરોપી જસદણના જિનિંગ અને ભાગીદારને તકસીરવાર ઠરાવી એક વર્ષની સજાનો હુકમ કર્યો છે. આ કેસની હકીકત મુજબ, રાજકોટમાં ડો. યાજ્ઞિક રોડ ઉપર ઈમ્પિરિયલ પેલેસ હોટલ સામે માધવ કોમ્પલેક્ષમાં ધંધો કરતા હરીભાઈ રામજીભાઈ ચંદારાણા પાસેથી જસદણ મુકામેની જલારામ કોટન એન્ડ પ્રોટીન્સ લી.ના ભાગીદાર આનંદભાઈ અરવિંદભાઈ પોપટ (રહે. અંજની ટાવર, ઈન્દીરા સર્કલ પાસે, રાજકોટ)એ સંબંધના દાવે ધંધાના વિકાસ માટે લીધેલ ૨કમ કુલ રૂા.૫૦ લાખમાંથી ૨કમ રૂા. ૧૦ લાખ પરત કરવા ચેક ઇસ્યુ કરી આપેલ તથા લેણાનો પત્ર લખી આપેલ. જે ચેક હરિભાઈએ તેની બેંકમાં રજુ કરતા પાસ ન થતા આનંદ પોપટને લીગલ ડિમાન્ડ નોટીસ આપવા છતા રકમ પરત ન કરતા હરિભાઈએ આનંદ પોપટ વિરૂધ્ધ રાજકોટ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. જે કેસ ચાલવા ઉપર આવતા ફરીયાદીના એડવોકેટ સુરેશ ફળદુ દ્વારા એવી રજુઆતો કરવામાં આવેલ કે ફરીયાદી દ્વારા ખંડન કરીને ફરિયાદપક્ષે જયારે પોતાનો કેસ શંકાથી પર પુરવાર કરેલ છે. ફરિયાદીએ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટના તમામ આવશ્યક તત્વો પુરવાર કરેલ છે. જે રજૂઆતો અને દલીલો ધ્યાને લઈને અદાલતે જલારામ જિનિંગ ફેકટરી અને ભાગીદાર આનંદ અરવીંદભાઈ પોપટને દોઢ વર્ષની સજા ઉપરાંત ચેકની રકમ રૂા.૧૦ લાખ એક માસમા ફરીયાદીને ચુકવવામાં આરોપી કસુર કરે તો વધુ છ માસની સજા ફરમાવતો હુકમ કર્યો છે. આ કેસમાં ફરીયાદ વતી રાજકોટના વરિષ્ઠ એડવોકેટ લલિતસિંહ જે શાહી, સી.એમ. દક્ષીણી, સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, પાર્થ સંઘાણી, જસ્મીન દુધાગરા, જય પીઠવા, યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, ભાવીન ખુંટ, આર્યન કોરાટ જયમલ મકવાણા રોકાયા હતા.