ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલા આરોપીને કોર્ટે 10 વર્ષની સજા અને 1 લાખનો દંડ ફટકાર્યો હતો
Rajkot,તા.21
શહેરના ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલા આરોપીને સ્પે. કોર્ટે 10 વર્ષની સજા અને એક લાખનો દંડ ફટકાર્યો હતો જેની સામે આરોપીએ હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી જામીન અરજી કરી હતી જે ચાલી જતા હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો સજાનો હુકમમાં મોકુફ રાખી આરોપીને જામીન મુક્ત કરવા હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં રહેતા હનીફે ઉર્ફે ગની જુસબભાઈ લીંગડીયા નામના શખ્સે પોતાના રહેણાંક મકાનમાં ગાંજાનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન હનીફ ઉર્ફે ગની લીંગડીયા રૂ.80,660 ની કિંમતના 13.510 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો હતો. પોલીસે દરોડા દરમિયાન રૂ.81,360નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આરોપી હનીફ ઉર્ફે ગની લીંબડીયા સામેનો કેસ ચાલી જતા રાજકોટની સ્પે. અદાલતે 10 વર્ષની સજા અને રૂપિયા એક લાખના દંડનો હુકમ ફરમાવ્યો હતો. જે હુકમ સામે આરોપી હનીફ ઉર્ફે લીંગડીયાએ હાઇકોર્ટમાં અપીલ અને જામીન અરજી દાખલ કરી હતી. જે અરજી હાઇકોર્ટમાં ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજૂઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઈ હાઇકોર્ટે આરોપી હનીફ ઉર્ફે ગની લીંગડીયા સામેનો નીચેની કોર્ટનો સજાનો હુકમ મોકુફ રાખી જામીન મુક્ત કરતો હુકમ કર્યો છે.આ કેસમાં આરોપીઓ વતી સ્પે. કોર્ટમાં અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સનાં એડવોકેટ અંશ ભારદ્વાજ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, રાકેશ ભટ્ટ, કમલેશ ઉઘરેજા, તારક સાવંત, શ્રેયસ શુકલ, ચેતન પુરોહીત, કૃણાલ દવે, દિશા ફળદુ અને મિહિર શુકલ અને હાઇકોર્ટમાં વિરાટ પોપટ તેમજ મદદનીશ અમૃત ભારદ્વાજ રોકાયા હતા.