Ahmedabad,તા.૨૧
શહેરમાંથી તાંત્રિક વિધિના નામે ઠગાઈ થઈ હોવાની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોલામાં વિસ્તારમાં લાંબા સમયથી કમરના દુઃખાવાથી પીડાઈ રહેલી મહિલાને દુઃખ મટાડવાની લાલચ આપી એક તાંત્રિક ભુવો ૧૫ લાખના સોના-ચાંદીના દાગીના પડાવીને ફરાર થઈ ગયો હતો. આટલું જ નહીં, તેણે એક સગીરા સાથે છેડતીનો પણ પ્રયાસ કર્યો હતો. જેથી તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાતા આરોપી ભુવો હાલ પોલીસ કસ્ટડીમાં છે અને પૂછપરછ હાથ ધરાઈ છે.
ઘટનાની મળતી માહિતી મુજબ સોલા વિસ્તારમાં રહેતા એક મહિલા લાંબા સમયથી કમર દુઃખાવાથી પીડાઈ રહ્યા હતા. તેઓએ અનેક હોસ્પિટલમાં સારવાર કરાવી પણ તેમને કોઈ રાહત ન મળતા અંતે મહિલાનો પતિ ચંદ્રકાંત નામના એક ભુવા પાસે પહોંચ્યા હતા. જ્યાં ભુવા ચંદ્રકાંતે કહ્યું કે, ’કમરનો દુઃખાવો દૂર થઈ જશે, પણ તેની એક વિધિ કરવી પડશે. જેમાં ઘરમાં રહેલ સોના-ચાંદીના દાગીના જામીન પેટે વિધિમાં મૂકવા પડશે.’
તાંત્રિક ભુવા ચંદ્રકાંતે લાલચ આપી હતી કે, ’આ દાગીનાને આપણે એક પોટલીમાં બાંધીને ઘરમાં મુકી રાખીશું અને સવા ૩ મહિના પછી હું આવીને જાતે જ પોટલી ખોલીશ, જો અન્ય કોઈ વ્યક્તિ આ પોટલી ખોલવાની કોશિશ કરશે, તો તમારા ઘરમાં બધા મરી જશે.’ આ દરમિયાન પરિવારની સગીર દીકરીને જોઈ જતા તાંત્રિક ભુવાએ તેની પર પણ નજર બગાડી હતી. ભુવાએ મહિલાની સગીર દીકરીને જોઈને જુઠી વાર્તા બનાવીને કહ્યું કે, ’આ સગીરાને સ્કૂલમાં કોઈ સાથે પ્રેમસંબંધ છે, પરંતુ તે ત્યાં સુખી નહી રહે.’ આમ કહીને તે ૧૫ લાખના સોના-ચાંદીના દાગીના પડાવીને ફરાર થઈ ગયો હતો. આવી જ રીતે, સોલામાં અન્ય એક યુવક ડિપ્રેશનમાં રહેતો હોવાથી તેના માતા-પિતા પણ ભુવા ચંદ્રકાંત પંચાલના સંપર્કમાં આવ્યા હતા. જ્યાં તેણે દીકરાની સજાઓ કરવા માટે વિધિ કરવાના બહાને સોના-ચાંદીના દાગીના કાળા કલરના કાપડની પોટલીમાં મૂકીને જતો રહ્યો હતો. જ્યારે ત્રીજા બનાવમાં તેણે એક વેપારી પોતાનું ગેરેજ ચાલતું ન હોવાથી ભુવો ચંદ્રકાંતે મળ્યો હતો. જ્યાં ભુવાએ ’વિધિ કરીને ડબ્બો ગેરેજમાં મૂકો અને ૩ મહિના પછી તેને ખોલજો, તો તમારો ધંધો જોરદાર ચાલશે’ તેમ કહીને ત્યાંથી પણ દાગીના કાળા કલરની પોટલીમાં મૂકીને જતો રહ્યો હતો.
આમ આ ત્રણેય બનાવ અંગે ત્રણેય પરિવારજનોએ આરોપી ચંદ્રકાંત વિરુદ્ધ માંડલમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે આરોપી તાંત્રિક ભુવાને પકડીને પોલીસ કસ્ટડી લીધો છે અને આવી રીતે અન્ય કેટલા લોકોને ફસાવ્યા છે? આ ષડયંત્રમાં તેની સાથે બીજો કોણ કોણ સામેલ છે? સોના-ચાંદીના દાગીના ક્યાં છુપાવ્યા છે? આ તમામ પ્રશ્નોના જવાબ મેળવવા માટે તેની પૂછપરછ શરૂ કરી છે.