અનેક વિસ્તારોમાં પાણી વિતરણ ખોરવાતા દેકારો
Rajkot,તા.22
રાજકોટ મનપાની સેન્ટ્રલ ઝોન હેઠળના ગોંડલ રોડ ઉપરના વોર્ડ નં.૧૩ માં પીવાના પાણી માટેની નવી ડીઆઈ (ડકટ આયર્ન) પાઈપ લાઈન નાખતી વેળાએ પી.ડી.માલવીયા કોલેજના મુખ્ય દરવાજા પાસે મનપાના કોન્ટ્રાકટરના બુલડોઝરની બ્લેડ અડી જતા પીવાના પાણીની મેઈન લાઈન તુટી ગઈ હતી. જેના કારણે પીડીએમ કોલેજ આજુબાજુની સોસાયટીઓ તરસી રહી હતી.
વોર્ડ નં.૧૩ માં પાણી વિતરણનો સમય બપોરે એકથી રાત્રે નવ વાગ્યા સુધીનો છે, વોર્ડના મોટાભાગના વિસ્તારોમાં પાણી વિતરણ થઈ ગયા બાદ પીડીએમ પાસે ખોદકામ ચાલુ હતુ ત્યારે ગત રાત્રે આઠ વાગ્યા આજુબાજુ ડીઆઈ લાઈન ઈન્સ્ટોલેશન માટેના ખોદકામ વેળાએ બુલડોઝરની બ્લેડ અડી જતા મુખ્ય લાઈન લિકેજ થતા નવલનગર, ત્રિવેણી, ગુરૂપ્રસાદ, અંબાજી કડવા, સ્વાશ્રય સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેતા દેકારો બોલી ગયો હતો. દરમિયાન લાઈન લીકેજ થયાનુ માલુમ પડતા મ્યુનિ.ઈજનેરો સ્થળ ઉપર દોડી ગયા હતા અને યુઘ્ધના ધોરણે રિપેરીંગ શરૂ કર્યુ હતુ. જો કે રિપેરીંગ માટે લાઈન ખાલી થવા સુધી રાહ જોવી પડી હતી ત્યારબાદ કામ શરૂ થયુ હતુ અને લગભગ રાત્રે દોઢ બે વાગ્યે રિપેરીંગ પૂર્ણ થતા આજે સવારથી રાબેતા મુજબ પાણી વિતરણ ચાલી રહ્યું હોવાનુ જાણવા મળે છે.