વેપારીને માર મારી માથું ફોડી નાખનાર ત્રણ અજાણ્યા શખ્સોં વિરુદ્ધ ગુનો
Rajkot,તા.23
શહેરની ભાગોળે આવેલ નવાગામ આણંદપરમાં ભાભીને ભગાડી જનાર શખ્સના ભાઈને દિયર સહીત ચાર શખ્સોંએ પાઇપ વડે માર માર્યાનો બનાવ સામે આવ્યો છે. વિજયભાઈના પત્નીને અમને સોંપી દો કહી અગાઉ બે વાર બોલાચાલી કર્યા બાદ પોલીસ સ્ટેશન ખાતે સાથે આવવાનું કહી વેપારી પર હુમલો કરી માથું ફોડી નખાયું હતું. મામલામાં નવાગામ(આણંદપર) શેરી નંબર-3 માં દ્રષ્ટિ વીલાની સામે રહેતા 38 વર્ષીય ફૂટવેરના વેપારી જીગરભાઈ ઉકાભાઈ વણકરિયાએ કુવાડવા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,
મારો ભાઈ કૌશિકભાઈ આઠ દિવસ પહેલા અમને કોઈને કંઈ કહ્યા વગર વિજયભાઈની પત્ની નયનાબેનને લઈને જતો રહેલ હતો. તે ક્યાં ગયેલ છે તેની અમને જાણ નથી. બાદમાં વિજયભાઈના ભાઈ વિપુલભાઈ બે-ત્રણ વાર અમારા ઘરે આવેલ હતા અને તેમના ભાઈ વિજયભાઈની પત્ની નયનાબેનને સોંપી દેવા માટે કહેતા હતા તેમજ અમને ધાક-ધમકી આપતા હતા પરંતુ એમના સાથે અમારે કૌટુંબિક સારા સંબંધો હોય જેથી અમે કોઈ પોલીસ ફરિયાદ કરેલ નહીં.બાદ તા.૨૧/૦૫/૨૦૨૫ ના બપોરના આશરે ચારેક વાગ્યાની આસપાસ અમે અમારા ઘરે હતા. ત્યારે આ વિજયભાઈના ભાઈ વિપુલભાઈ અમારા ઘરે આવેલ અને મને કહેલ કે, વિજયભાઈની બંને દીકરીઓ સાથે આવેલ હોય તેમના નિવેદન લેવા માટે બી-ડિવિઝન પોલીસ સ્ટેશન જવાનું હોય જેથી તમે અમારી સાથે આવો. તેમ કહેતા હું તેમની સાથે પોલીસ સ્ટેશન જવા માટે નીકળેલ હતો. દરમ્યાન ઘરની બહાર પહોંચતા અમે બન્ને આ બાબતે વાતચીત કરતા હતા. ત્યારે એક બાઈકમાં ત્રણ અજાણ્યા ઇસમો આવેલ હતા. જેના હાથમાં લોખંડના પાઈપ હતા. જેમાંથી એક વ્યક્તિ પાસેથી વિપુલભાઈએ પાઈપ લઈને મને માથાના ભાગે પાઇપ મારેલ હતો. અજાણ્યા ત્રણેય ઇસમોએ ભેગા મળીને મને હાથે પગે તથા શરીરે માર મારેલ હતો. બાદ સ્થાનિકો ભેગા થઈ જતા ચારેય શખ્સોં નાસી ગયા હતા. જે બાદ વેપારીને 108 એમ્બયુલન્સ મારફતે સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં દાખલ કરેલ હતા.
મામલામાં વેપારીએ સિવિલ હોસ્પિટલના બિછાનેથી નોંધાવેલી ફરિયાદ અંગે કુવાડવા પોલીસે વિપુલ અને તેની સાથેના ત્રણ અજાણ્યા શખ્સોં વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.