ત્રણ આરોપીની ડિસ્ચાર્જ અરજી પર બંને પક્ષની દલીલ પૂર્ણ
Rajkot,તા.23
રાજકોટ સહિત રાજ્યભરમાં ચકચાર મચાવનાર ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં ચાર્જકેમ થાય તે પહેલા સમય મર્યાદામાં માત્ર પાંચ આરોપીઓએ ડિસ્ચાર્જ અરજી કરી હતી. જેમાં ત્રણ આરોપીની ડિસ્ચાર્જ અરજી પર બંને પક્ષની દલીલ પૂર્ણ થઈ હતી. જ્યારે ચીફ ફાયર ઓફિસર ઠેબા અને એટીપીઓ ગૌતમ દેવશંકર જોષીની ડિસ્ચાર્જ અરજી પર આજે સુનાવણી હાથ ધરવા આવનાર હતી. પરંતુ આરોપીના બચાવ પક્ષે વકીલ હાજર નહિ રહેતા ફરી મુદત પડી છે. આગામી 12મી જૂનના રોજ બંને આરોપીઓની ડિસ્ચાર્જ અરજીની સુનાવણી હાથ ધરવામાં આવશે. આ કેસની હકીકત મુજબ રાજકોટમાં કાલાવડ રોડ ઉપર આવેલ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત ૨૭ લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવને ગંભીરતાથી લઈ ટીઆરપી ગેમઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા અધિકારીઓ સહિતના સામે ગુનો નોંધી ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. ચાર્જશીટ થયા બાદ સેશન્સ અદાલતમાં ગત તા.૧૯મી ડિસેમ્બરની મુદતે ટી.પી.ઓ. મનસુખ સાગઠીયા, એ.ટી.પી.ઓ. મુકેશ રામજી મકવાણા, જયદીપ ચૌધરી, ગૌતમ દેવશંકર જોષી અને ચીફ ફાયર ઓફિસર ઠેબાએ કેસ ચાર્જફમ થાય તે પહેલા તહોમતમાંથી બિનતહોમત (ડિસ્ચાર્જ) કરી છોડી મુકવા અરજીઓ દાખલ કરી હતી. જેમાં ટી.પી.ઓ. મનસુખ સાગઠીયા, એ.ટી.પી.ઓ. મુકેશ રામજી મકવાણા અને ચીફ ફાયર ઓફિસર ઠેબાની ડિસ્ચાર્જ અરજી ઉપર બંને પક્ષે દલીલો પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે હુકમ ઓર્ડર ઉપર મોકૂફ રાખવામાં આવ્યો હતો. જ્યારે એટીપીઓ જયદીપ ચૌધરી અને ગૌતમ દેવશંકર જોષીની ડિસ્ચાર્જ અરજી પર આજે સુનાવણી હાથ ધરવા આવનાર હતી. પરંતુ આરોપી ગૌતમ જોષીના વકીલ હોસ્પિટલના કામ સબબ કોર્ટમાં હાજર નહિ રહી શકતા આરોપી દ્વારા મુદત માંગતા આગામી 12મી જૂનના રોજ બંને આરોપીઓની ડિસ્ચાર્જ અરજીની સુનાવણી હાથ ધરવામાં આવશે.આ કેસમાં સ્પે.પી.પી. તુષાર ગોકાણી, એડી. સ્પે.પી.પી. નીતેશ કથીરીયા, ભોગ બનનાર પરીવાર વતી એડવોકેટ સુરેશ ફળદુ અને એન.આર. જાડેજા રોકાયા છે.