દારૂ ઢીંચી બીમાર પિતા સાથે મારકૂટ કરતો : સમજાવટ કરવા ગયેલા ભાઈને ફડાકા ઝીંકી દેતા પાવડાનો હાથો અને પેવર બ્લોકના ઘા મારી મુકેશને પતાવી દીધો’તો
Rajkot,તા.23
શહેરની ભાગોળે આવેલ જામગઢ ગામે એક સપ્તાહ પૂર્વે વાડીએ સુતેલા યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યાના બનાવમાં ક્રાઇમ બ્રાન્ચે સતત એક સપ્તાહ સુધી તપાસનો ધમધમાટ આદરી મૃતકના સગા મોટાભાઈની ધરપકડ કરી છે. મૃતક દારૂ ઢીંચી અવાર નવાર બીમાર પિતા સાથે મારકૂટ કરતો હતો. જે બાબતે સમજાવટ કરવા ગયેલા મોટાભાઈને પણ મૃતકે ફડાકા ઝીંક્યા હતા. જેથી મોટાભાઈએ જ પાવડાનો હાથાનો અણીદાર ભાગ અને પેવર બ્લોકના ઘા ઝીંકી પતાવી દીધાનો ખુલાસો થવા પામ્યો છે.
સમગ્ર બનાવ પર એક નજર કરવામાં આવે તો જામગઢ ગામે રહેતા અને ખેતીવાડી કરતા વિનુભાઈ ઉર્ફે વિનો વેલાભાઈ વાવડીયાએ કુવાડવા રોડ પોલીસમાં અજાણ્યા શખ્સ સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે અમો ચાર ભાઈ-બહેન છીએ. જેમાં નાનો મુકેશ વેલાભાઈ વાવડીયા(ઉ.૩૩)હતો. પરિવાર સાથે જમી મુકેશ બહાર ગયો હતો અને રાત્રીના વાડીએ સુવા જતો રહે છે. હું પણ જમીને ગામમાં પાનની કેબીને બીડી લેવા ગયો હતો અને થોડીવાર ત્યાં બેસી પરત ઘરે આવી સુઈ ગયેલ હતો. વહેલી સવારે ૬ વાગ્યે ચા-પાણી પી ગાયને દોહી સવારે સાત વાગ્યે ઘરેથી વાડીએ ગયેલ ત્યારે ભાઈ મુકેશ વાડીએ ખાટલા ઉપર લોહી લુહાણ હાલતમાં પડેલ તેને મોઢે-આંખે અને કપાળના ભાગે તીક્ષણ હથિયારના ઘા ઝીંક્યા હોવાના નિશાન જોવા મળ્યા હતા. જેથી પત્નિને વાત કરી ધનજીભાઈને વાડીએ આવવાનું કહેતા તેઓ આવી ગયેલ બાદ મે મારા ફોનમાંથી પોલીસ અને ૧૦૮ને જાણ કરતા ઈએમટી સહિતનો સ્ટાફ દોડી ભાઈ મુકેશને તપાસી મૃત જાહેર કર્યો હતો.જેથી પોલીસે મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. આમ કોઈ અજાણ્યા શખસોએ નાનોભાઈ વાડીએ સુતો હતો ત્યારે તીક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા નિપજાવ્યા હોવાની ફરિયાદ નોંધાવતા કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધ્યો હતો બાતમીના આધારે ગુનામાં ફરિયાદીએ જ પોતાના સગા નાનાભાઈ મુકેશ ઉર્ફે મુકાનું ખૂન કરી નાખ્યાની હકીકત મળતા ફરિયાદીની ઊંડાણપૂર્વક પૂછપરત કરતા પોતે જ પોતાના ભાઈનું ખૂન કર્યાની કબુલાત આપતા ક્રાઈમ બ્રાન્ચે વિનુભાઈ વેલાભાઈ વાવડીયાની ધરપકડ કરી સાત દિવસની સઘન તપાસના અંતે બ્લાઈન્ડ મર્ડર કેસનો ભેદ ઉકેલ્યો હતો.આરોપીએ કબૂલાત આપી હતી કે, મુકેશ દારૂ પીને વારંવાર પિતા સાથે ઝગડો કરી મારકૂટ કરતો હતો. પિતાને કિડની સંબંધી બીમારી હોય તાજેતરમાં જ નિદાન કરાવવામાં આવ્યું હતું. જે બાદ પણ પિતા બીમાર રહેતા હોય અને મુકેશ મારકુટ કરતો હોય વિનુ તેને સમજાવવા ગયો હતો. જ્યા મુકેશએ વિનુને પણ ફડાકા ઝીંક્યા હતા. જે બાદ વિનુએ પ્રથમ પાવડાના હાથનો અણીદાર હિસ્સો અને ત્યારબાદ પેવર બ્લોકના બે ઘાં ઝીંકી મુકેશને પતાવી દીધો હતો.