વાહન ચેકીંગ દરમિયાન પોલીસે કારમાંથી રોકડ સાથે મબાસીર આરીફભાઈ સીદીકીને ઝડપ્યો’તો
બિલ્ડર પિતાએ બાંધકામનું પેમેન્ટ આપવા પૈસા મોકલ્યા’તા : પોલીસને જોઈ હેપતાઈ ગયેલો યુવક સાંજ સુધીમાં આધાર-પુરાવા રજુ કરી પૈસા પરત લઇ જશે
Rajkot,તા.23
શહેરના કાલાવડ રોડ પર કોટેચા ચોકમાં વાહન ચેકિંગ દરમિયાન માલવીયાનગર પોલીસને કારમાંથી રૂા.૧૦ લાખની શંકાસ્પદ રોકડ મળી આવતા કબજે કરી કાર ચાલકની પુછપરછ કરી હતી. જે દરમિયાન ચાલક નાણાં અંગે કોઈ આધાર પુરાવા રજુ નહિ કરી શકતા માલવિયાનગર પોલીસે રોકડ કબ્જે કરી સોફ્ટવેર એન્જીનીયર યુવકને નોટીસ ફટકારી હતી. જે મામલામાં નવો ખુલાસો થવા પામ્યો છે. સોફ્ટવેર એન્જીનીયર યુવકના પિતા બિલ્ડર હોય અને હાલ તેઓ મુંબઈ ખાતે રહેતા હોય ત્યાથી તેમણે બાંધકામના પેમેન્ટ આપવા પૈસા મોકલ્યા હતા.
કોટેચા ચોકમાં માલવિયાનગર પોલીસના પી.એસ.આઈ. એમ.જે. ધાધલ સહિતનો સ્ટાફ વાહન ચેકિંગમાં હતો ત્યારે ત્યાંથી નિકળેલી કારને અટકાવી તલાશી લેતા કારની ડેકીમાંથી રૂા. ૧૦ લાખની રોકડ મળી આવી હતી. આથી પોલીસે કાર ચાલક સોફટવેર ઈજનેર મબાસીર આરીફભાઈ સીદીકી (રહે. સુભાષનગર, રૈયા રોડ) પાસે કારના કાગળો માંગતા રજૂ કર્યા હતા. પરંતુ રોકડ રકમ બાબતે કોઈ સંતોષકારક જવાબ નહીં આપી શકતા કબજે કરી કાર્યવાહી કરી હતી.
હવે આ મામલે પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત અનુસાર સોફ્ટવેર એન્જીનીયર યુવકના પિતા બિલ્ડર હોય અને હાલ મુંબઈ ખાતે રહેતા હોય ત્યાથી તેમણે બાંધકામના અલગ અલગ પેમેન્ટ આપવા માટે રૂ. 10 લાખ મોકલ્યા હતા. જે લઈને નીકળતા પોલીસને જોઈ યુવક હેપતાઈ ગયો હતો અને કોઈ જવાબ આપી શક્યો ન હતો. હવે સાંજ સુધીમાં યુવક આધાર પુરાવા રજુ કરી પૈસા પરત લઇ જશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.