તિના બાઈક પાછળ બેસી જેઠના ઘરે જતાં વૃદ્ધાને નિશાન બનાવવાનાર સમડીની શોધખોળ
Rajkot,તા.23
શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક મોટરસાયકલ પર પતિ સાથે જતાં 62 વર્ષીય વૃદ્ધાના ગળામાંથી રૂ. 1 લાખની કિંમતની બે તોલાની સોનાની માળાની ચિલઝડપ કરી સમડી નાસી ગયાનો બનાવ સામે આવ્યો છે. મામલામાં તાલુકા પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે સમડીને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે.
મામલામાં મવડી કણકોટ રોડ પર આવેલ ક્રિસ્ટલ હેવન એપાર્ટમેન્ટમાં રહેતા 62 વર્ષીય વૃદ્ધા વીણાબેન દીનેશભાઈ પટેલે તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા. તા-૨૨/૦૫/૨૦૨૫ ના રોજ હું તથા મારા પતિ અમારા ઘરેથી મારા જેઠ વિનોદભાઇના ઘરે કટારીયા શો-રૂમની પાછળ આવેલ તુલસી હાઇટસ ખાતે જતા હતા. ત્યારે મારા પતિ મોટરસાયકલ ચલાવતા હતા ને હું પાછળ બેઠી હતી. સાંજે સવા પાંચ વાગ્યાની આસપાસ ફીલ્ડમાર્શલ રોડ ઉપર સ્પીડવેલ પાર્ટી પ્લોટના બીજા ગેઇટ પાસે પહોંચતા પાછળથી અચાનક એક મોટરસાયકલ ચાલક ધસી આવ્યો હતો અને અમારા વાહનની બાજુમાંથી પોતાનું વાહન ચલાવી મે ગળામાં પહેરેલ બે તોલાની સોનાની માળા જેની કિંમત રૂ. 1 લાખ થવા પામે છે તે ઝુંટવી પુરઝડપે મોટરસાયકલ ચલાવી પરસાણા ચોક તરફ જતો રહેલ હતો. બાદ તરત જ મારા પતિએ મોટરસાયકલ ઉભું રાખી પુત્ર કેયુરને ફોન કરી ત્યાં બોલાવેલ હતો અને ત્યાથી અમે પ્રથમ કેયુરના ઘરે અને ત્યાંથી તાલુકા પોલીસ મથકે દોડી જઈ ફરિયાદ નોંધાવી હતી. મામલામાં તાલુકા પોલીસે વૃદ્ધાની ફરિયાદ પરથી ગુનો નોંધી સમડીને શોધી કાઢવા સીસીટીવીના આધારે ચક્રો ગતિમાન કર્યા છે.