19 ઓવરલોડેડ ડમ્પર, જેસીબી, બ્લેક્ટ્રેપ, સાદી રેતી સહિત રૂ. 7.73 કરોડનો મુદ્દામાલ જપ્ત
Surendranagar,તા.23
વઢવાણ પ્રાંત અધિકારી એચ ટી મકવાણાની ટીમે રાતભર દરોડા પાડ્યા : ખનન માફિયાઓમાં ફફડાટ
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ અને મૂળી તાલુકાના ગામોમાંથી ગેરકાયદે બ્લેકટ્રેપ અને સાદી રેતીનું ખનન પર અધિકારીઓએ દરોડા પાડયા હતા અને બ્લેકટ્રેપ અને સાદી રેતીનું વાહન કરતા ૧૯ ઓવરલોડ ડમ્પર અને એક જેસીબી જપ્ત કર્યું હતું. વાહનો, બ્લેકટ્રેપ સહિત ૭.૭૩ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે. જવાબદારો સામે દંડનીય સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વઢવાણ તાલુકાના ઈન્ચાર્જ પ્રાંત અધિકારી સહિતની સંયુક્ત ટીમો દ્વારા ચોટીલા તેમજ વઢવાણ તાલુકાની હદમાં આવેલા અલગ-અલગ સ્થળો પર રાતભર ચેકીંગ તેમજ તપાસ હાથ ધરી હતી.સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ તાલુકાના ગામોમાં મોટાપાયે ભુમાફીયાઓ દ્વારા ગેરકાયદેસર બ્લેકટ્રેપ તેમજ સાદી રેતીનું ખનન થતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે જેને ધ્યાને લઈ વઢવાણ તાલુકાના ઈન્ચાર્જ પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા સહિતની સંયુક્ત ટીમો દ્વારા ચોટીલા તેમજ વઢવાણ તાલુકાની હદમાં આવેલ અલગ-અલગ સ્થળો પર રાતભર ચેકીંગ તેમજ તપાસ હાથધરી હતી.
જે દરમ્યાન નેશનલ હાઈવે પર, બલદાણા, ફુલગામ, સીધ્ધસર, શેખપર, પલાસા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ચેકીંગ તેમજ રેઈડ કરતા ગેરકાયદેસર અને ઓવરલોડ ખનીજસંપતિ ભરેલ ૧૯ ડમ્પર તેમજ એક જેસીબી મશીન સહિત કુલ ૨૦ વાહનોને કબ્જે કર્યા હતા. ઓવરલોડ ખનીજ બ્લેકટ્રેપ તેમજ સાદી રેતી ભરેલ ડમ્પરો સહિત કુલ રૂા. ૭,૭૩,૩૦,૫૦૧ નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ તમામ વાહન માલીકો સામે પણ ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી છે.