શૈક્ષણિક મુદ્દાઓ અંગે ગંભીર ચિંતાઓ સાથે વાલી મંડળએ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા માંગ કરી
Rajkot,તા.24
:રાજકોટની પ્રતિષ્ઠિત રાજકુમાર કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓએ શાળામાં તાજેતરમાં અમલમાં મુકાયેલા કો એજ્યુકેશન પ્રણાલી અને ચાલી રહેલા શૈક્ષણિક મુદ્દાઓ અંગે ગંભીર ચિંતાઓ સાથે વાલી મંડળ દ્વારા રાજકુમાર કોલેજના પ્રિન્સિપાલ સકસેનાને આવેદન પત્ર પાઠવી આ મામલે યોગ્ય નિર્ણય લેવા લેખિત રજૂઆત કરવામાં આવી હતી. કો એજ્યુકેશનના મુદ્દે ઉગ્ર રજૂઆત કરી વૈકલ્પિક વ્યવસ્થા કરવા અથવા અગરિત ઘટના ન ઘટે તે માટે પ્રિન્સિપાલ ને જવાબદારી લેવાની માંગ સાથે લેખિતમાં આગ્રહ રાખ્યો હતો. વાલીઓએ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા માંગ કરી છે. શાળાએ વાલીઓ સાથે કોઈ પરામર્શ કે તેમની સંમતિ વિના કો એજ્યુકેશન શરૂ કરવાનો એકપક્ષીય નિર્ણય લીધો છે.ચિંતિત વાલીઓએ CBSE સત્તાવાળાઓને આ બાબતો પર તાત્કાલિક ધ્યાન આપવા માર્ગદર્શિકાઓનું સંસ્થા દ્વારા પાલન થાય છે કે નહીં તેનું ઉદ્દેશ્યપૂર્વક મૂલ્યાંકન કરવા માટે શાળાનું નિરીક્ષણ કરવાનું પણ સૂચન કર્યું છે.વાલીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે CBSE વિદ્યાર્થીઓના શૈક્ષણિક સુખાકારી માટે જરૂરી પગલાં લેશે. આ મુદ્દો રાજકોટના શૈક્ષણિક વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. વાલી મંડળ વતી રજૂઆતમાં સહકારી અગ્રણી હરદેવસિંહ જાડેજા રાજસમઢીયાળા અને રાજભા ઝાલા કણકોટ સહિતના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.