મહિલા મિત્ર સાથે યુવક હોટેલમાં રોકાવા ગયો’તો : માલિકે મળવા બોલાવી હુમલો કરતા બી ડિવિઝન પોલીસમાં ગુનો
Rajkot,તા.26
શહેરના મોરબી રોડ પર આવેલી ધ ઇન્ફિનીટીવ હોલ નામની હોટેલમાં મહિલા મિત્ર સાથે રોકાવા ગયેલ યુવકને રૂમમાં એસી બંધ હોવાની ફરિયાદ કરવી ભારે પડી હતી. હોટેલ સંચાલકે અન્ય ત્રણ શખ્સોં સાથે યુવકને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. ઝપાઝપી દરમિયાન યુવકનો સોનાનો ચેઇન અને ટાઇટનની ઘડિયાળ પણ ક્યાંક પડી ગઈ હતી.
શહેરના રણછોડવાડી શેરી નંબર-3 માં રહેતા અને સાઉન્ડ સિસ્ટમનો વ્યવસાય કરતા 29 વર્ષીય યુવક ડેનીશભાઈ ચંદુભાઈ ભુતએ બી ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં કલ્પેશ પટેલ, પેપ્સી અને બે અજાણ્યા શખ્સોંનું નામ આપતાં જણાવ્યું હતું કે, ધ ઇન્ફિનીટીવ હોલમાં રૂમ બુક કરાવી રોકાવા ગયેલ અને એક દિવસનું રૂ. 1 હજાર ભાડુ રોકડ આપી અમે બંન્ને ત્યાં રોકાયેલ હતા. બાદમાં સ પાંચ વાગ્યે રૂમનું એસી બંધ થઈ જતાં મારી ઉંઘ ઉડી ગયેલ હતી. મેં નીચે જઈ આ બાબતે વાત કરેલ જે બાદ પણ એસી ચાલુ થયેલ નહિ. રાત્રીનાં દશ વાગ્યે હું જમવા બહાર ગયેલ તે વખતે આ હોટલનાં ઓનર કલ્પેશભાઇ પટેલનો ફોન આવેલ અને મને એસી બંધ બાબતની ફરીયાદ કરેલ હોય તેથી મને હોટલે વાત કરવા બોલાવતા હું અને મારી મિત્ર પાયલ અને મારા બે અન્ય મિત્રો સલીમભાઈ તથા ચિરાગભાઈ અમારી સાથે હોય અમો હોટલ ખાતે ગયેલ હતા.
બાદમાં રાત્રે આશરે સાડા બારેક વાગ્યાનાં સમયે હોટેલ ખાતે પહોંચતા અમારી વચ્ચે વાત ચીત થયેલ હતી. દરમિયાન કલ્પેશ તથા તેના ભાગીદાર પેપ્સી નામનો શખ્સ અને બે અજાણ્યા માણસો હાજર હોય અમારી વચ્ચે મારા રૂમનો એસી બંધ હોય તે બાબતની વાતચીત ચાલુ હતી. ત્યારે કલ્પેશભાઇ મારી મિત્ર પાયલની હાજરીમાં મને ગાળો આપવા લાગેલ હતા. મે ગાળો આપવાની ના પાડતા કલ્પેશએ મને એક લાફો મારી દીધો હતો. બાદમાં પેપ્સી નામનો શખ્સ તથા અન્ય બે જણાએ મળીને મને ઢીકાપાટુનો મુઢ માર મારેલ હતો. મારી સાથે ફેમીલી હોય જેથી હું ત્યાંથી નિકળી મારા મિત્રો સાથે જતો હતો. તે દરમ્યાન પેપ્સી નામના શખ્સે મારી પાસે આવી મને જમણા બાજુના ખંભા ઉપર જોરથી મુકકો મારતા મને જોરદાર દુખાવો થયેલ હતો. બાદમાં સામાવાળા સાથે ઝપાઝપી દરમ્યાન મે ગળામાં પહેરેલ સોનાનો ચેન તથા ડાબા હાથના કાંડા ઉપર પહેરેલ ટાઈટનની ઘડીયાળ ત્યાં પડી ગયેલ હતી. બાદમાં ત્યાંથી હું સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે દાખલ થયેલ હતો.
યુવકે મામલામાં ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે કલ્પેશ પટેલ, પેપ્સી અને બે અજાણ્યા શખ્સોં વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.