ગત સાંજે રૂમ બંધ કરી જીવાદોરી ટૂંકાવી લીધી : પગલું ભરવા પાછળનું કારણ જાણવા પોલીસ તપાસનો ધમધમાટ
Rajkot,તા.26
રાજકોટ શહેરના પરાપીપળીયા ગામે પતિ સાથે ભાડાના મકાનમાં રહેતી મૂળ વિસાવદરની 22 વર્ષીય પરિણીતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પતિ નોકરી પર હતો ત્યારે પાછળથી સમીસાંજે રૂમ બંધ કરી મોત વ્હાલું કરી લેવા પાછળનું કારણ જાણવા ગાંધીગ્રામ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર મૂળ વિસાવદરની પરિણીતા અને હાલ રાજકોટની ભાગોળે આવેલ પરાપીપળીયા ગામના ગેટ પાસે ભાડાના મકાનમાં હિરલબેન હરસુખભાઈ માલિયા (ઉ.વ.૨૨) પતિ સાથે રહેતા હતા. જયારે સાસુ-સસરા વિસાવદર ખાતે રહેતા હતા. ગત રવિવારે સાંજે છ વાગ્યે હિરલબેને પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈ લીધો હતો. મામલામાં પાડોશીને કંઈક કામ પડતા તેમણે દરવાજો ખખડાવ્યો હતો પણ પરિણીતાએ દરવાજો નહિ ખોલતા પાડોશીએ પતિને આં બાબતે ટેલિફોનિક જાણ કરી હતી.
પાડોશીના ફોનને પગલે પતિ ઘરે દોડી આવ્યા હતા અને મકાન ખોલી અંદર જોતા પત્નીનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. બાદમાં પતિએ તાત્કાલિક ૧૦૮ ને બોલાવતા તબીબી ટીમે તપાસી હિરલબેનને મૃત જાહેર કર્યા હતા. પ્રાપ્ત વિગત અનુસાર મૃતકને ત્રણ વર્ષનો લગ્ન ગાળામાં સંતાનની પ્રાપ્તિ થઇ ન હતી. આપઘાતના બનાવ પાછળ જવાબદાર કારણ અંગેની તપાસ ગાંધીગ્રામ પોલીસના પીએસઆઈ પી.એસ.આઇ એસ બી જાડેજા ચલાવી રહ્યા છે.