પતી, સાસરીયા ત્રાસના કારણે સગીર પુત્રી સાથે રીસામણે ગયેલી બાદ ખાધા ખોરાકી મેળવવા દાદ માંગી હતી
Rajkot,તા.27
માત્ર ત્રણ વર્ષના લગ્ન જીવનમાં સંયુક્ત કુટુંબમાં પતી, સાસરીયા સાથે અણબનાવોને કારણે સગીર પુત્રી સાથે રીસામણે ગયેલી પરિણીતાને બંનેનું કુલ 7000 રૂપિયા માસિક ભરણ પોષણ ચૂકવવા ફેમિલી કોર્ટ પતિને હુકમ કર્યો છે. આ કેસની હકીકત મુજબ અરજદાર નિશાબેન રામભાઇ વાસકીયા (હાલ રહે. કુવાડવા, તા. રાજકોટ)ના લગ્ન ૩૦/ ૭/ ૨૧ના રોજ રાજકોટ મુકામે રામભાઈ ભાણજીભાઈ વાસકિયા સાથે થયેલા, સંયુક્ત કુટુંબમાં બંનેના સહલગ્નજીવનથી સંતાનમાં પુત્ર દિક્ષીતનો જન્મ થયો હતો. (સગીર સંતાન અરજદાર પાસે છે) અરજીની વીગતે થોડા સમયબાદ સામાવાળા દ્વારા ત્રાસ આપવા લાગેલા અને અનેકવાર બંનેના કુટંબીજનો દ્વારા સમાધાન પણ કરવામાં આવેલ હોવા છતા સામાવાળાઓના વ્યવહારમાં કોઈ ફેરફાર પડેલ ન હોય તેથી અરજદાર તેમના પીયર રિસામણે ચાલ્યા ગયેલ હતા. આ સમયગાળા દરમ્યાન સામાવાળા દ્વારા અરજદાર તથા પુત્રના ભરણપોષણની કોઇ જવાબદારી સામાવાળાએ નીભાવી ન હોઇ તેથી અરજદારે પતી રામભાઈ ભાણજીભાઈ વાસકિયા (રહે. રાજકોટ) વિરુધ્ધ ભરણપોષણ મેળવવા લીગલ પેનલ વકીલ અમિત ગડારા મારફત ફેમિલી કોર્ટમાં અરજી કરેલ હતી. અરજદારની અરજી સામે જવાબવાંધા રજુ કરેલ હતા. અરજદાર પક્ષે પુરાવો વિગતવાર લેવામાં આવેલ તેમજ સામાવાળાનો પુરાવાનો હકક બંઘ થયેલ હતો. ત્યારબાદ સદર કામ દલીલો પર પહોંચેલ જેમાં અરજદારના એડવોકેટ અમીત ગડારાએ દલીલમાં જણાવેલ કે અરજદાર ભરણપોષણ મેળવવા કાયદેસર હકદાર બને છે, આમ અરજદારના એડવોકેટ અમીત ગડારાની દલીલો ગ્રાહય રાખી જજે નિશાબેનની અરજી મંજુર કરી ભરણપોષણ પેટે પત્નીને માસીક રકમ રૂ. ૪ હજાર તથા સગીર સંતાનને માસીક રૂ. ૩ હજાર મળી કુલ રૂ. ૭ હજાર મુળ અરજીની તારીખ ૧/ ૧/ ૨૦૨૪થી નિયમિત સામાવાળા પતિએ ચુકવવા તેમજ ચડત રકમ એક માસમાં ચુકવી આપવી અને અરજી ખર્ચ રૂ. ૫ હજાર ચુકવી આપવા તેવો હુકમ કર્યો છે. આ કેસમાં અરજદાર પરિણીતા વતી રાજકોટ ફેમિલી કોર્ટના લીગલ એઇડના પેનલ એડવોકેટ અમિત વી. ગડારાએ કેસ કાર્યવાહી ચલાવી હતી.