Surendranagar,તા.28
વઢવાણ ધોળીપોળ વિસ્તારમાં પુલના ખુણે આવેલી મહારાણા પ્રતાપની પ્રતિમા ખંડીત કરવામાં આવતા લોકો સહિત ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો સહિતના લોકો સ્થળ પર આવી પહોંચ્યા હતા અને પ્રતિમાને ખંડિત કરનાર શખ્સોને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
વઢવાણ ધોળીપોળના પુલના છેડે આવેલી મહારાણા પ્રતાપની પ્રતિમાને અસામાજિક તત્વો દ્વારા ખંડિત કરવામાં આવતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો. અસામાજિક તત્ત્વો દ્વારા મહારાણાની પ્રતિમાના હાથનો એક પંજો અજાણ્યા શખ્સો દ્વારા તોડી નાંખવામાં આવ્યો હતો તેમજ પ્રતિમાની તલવાર લઈ નાસી છુટયા હતા.
જ્યારે આ અંગેની જાણ થતાં ક્ષત્રિય સમાજના હોદ્દેદારો, આગેવાનો સ્થળ પર આવી પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરતા પોલીસ કાફલાએ પણ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. પ્રતિમા પાસેથી બે મોટા પથ્થરો પણ મળી આવતા અસામાજીક તત્વો દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમાને ઈરાદાપૂર્વક ખંડીત કરી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.