Surendranagar, તા.28
ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા થાન મૂળી ચોટીલા વિસ્તારોમાં દરોડા કરી ગેરકાયદે ચલાવાતા ખાડાઓ બંધ કરવામાં આવ્યા છે. ત્યારે આ ખાડાઓ ફરી ચાલુ ન થાય તે માટે પ્રાંત અધિકારી અને ટીમે હવે ખાડાઓ બુરવાનું શરૂ કર્યું છે. જેમાં જામવાળી ગામેથી કૂવા બુરવાની કામગીરી હાથ ધરાઇ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં મળી આવતા ખનીજ તત્વોને ભૂમાફિયાઓ ગેરકાયદે ખનન કરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડે છે. ત્યારે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા થોડા સમયમાં અનેક કાર્યવાહી કરી ભૂમાફિયાઓ સામે સતત કાર્યવાહીને લઇ ખનીજ ચોરોમાં ફફડાટ સાથે દોડધામ મચી છે. ત્યારે દિવસે દરોડા હોય તો રાત્રે ખનન ચાલુ રાખાતું હોવાની જાણ કારી મળતા રાત્રે પણ દરોડા કરાઇ રહ્યા છે.
ત્યારે હવે ભૂમાફિયાઓએ કરેલા ખાડામાં ખનન બંધ કરાવ્યા બાદ હવે ખાડાઓ કાયમ માટે બંધ કરવા કાર્યવાહી હાથ ધરાઇ છે. આથી ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા દ્વારા મંગળવારના રોજ મોડી સાંજે મામલતદાર થાનગઢની સયુંક્ત ટીમ સાથે રાખીને થાનગઢ તાલુકાના જામવાળી ગામમાં પહોંચ્યા હતા. જ્યાં ચોટીલા થાનગઢ ઉપર આવેલ ગોકુળ ગ્રાન્ટેઝ હોટલની સામેની સાઇડમાં આવેલ સરકારી સર્વે નંબર 105 વાળી જમીનમાં ગેરકાયદે કાર્બોસેલના કૂવાનું ખાડાનું બુરાણ કરવાનું ટ્રાયલ ચાલુ કર્યું હતું.