Rajkot, તા. 28
પુરા રાજયની સાથે રાજકોટમાં પણ કોરોના પોઝીટીવના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે. ગઇકાલે શહેરમાં એક સાથે ચાર કેસ જાહેર થયા બાદ આજે અર્ધો ડઝન કેસ અલગ અલગ વોર્ડ અને વિસ્તારમાં નોંધાયા છે.
જે સાથે 10 દિવસમાં રાજકોટમાં કુલ કેસનો આંકડો 11 પર પહોંચ્યો છે. વોર્ડ નં.10ના સદગુરૂનગરમાં યુવાન અને છ માસના બાળકને સંક્રમણ થયું છે. કોઇ દર્દીને કોઇ પણ પ્રકારની ચિંતા ન હોવા છતાં લોકો ગભરાટ વગર તકેદારી રાખે તેવી અપીલ આરોગ્ય વિભાગે કરી છે. આ કેસમાં બે દર્દી મુંબઇ અને દુબઇથી પરત આવ્યા હતા અને છ પૈકી પાંચે વેકસીન પણ લીધી હોવાનું સર્વેલન્સ કામગીરીમાં મનપાને જાણવા મળ્યું છે. નવા છ કેસની વિગત પર નજર કરીએ તો વોર્ડ નં.6ના રામપાર્ક-1માં 25 વર્ષના મહિલાને કોરોના નિદાન થયું છે. તેને વેકસીનના ત્રણ ડોઝ લીધા છે.
વોર્ડ નં.11ના જીવરાજ પાર્કમાં બે ડોઝ લેનાર 67 વર્ષના પુરૂષ અને વોર્ડ નં. 18ના મંગલ પાર્કમાં એક ડોઝ લેનાર 26 વર્ષના પુરૂષને પોઝીટીવ રીપોર્ટ આવ્યો છે. તો વોર્ડ નં.10માં સદગુરૂનગરમાં રહેતા પરિવારના માત્ર છ માસના પુત્રને પણ પોઝીટીવ રીપોર્ટ આવ્યો છે. આ ચારેય દર્દીની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.બે દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી જાણવા મળી છે. મુંબઇથી પરત આવેલા વોર્ડ નં.10ના સદગુરૂનગરમાં રહેતા અને ત્રણ ડોઝ વેકસીન લેનારા 32 વર્ષના પુરૂષ તથા દુબઇથી પરત ફરેલા અને વેકસીનના બે ડોઝ લેનાર વોર્ડ નં.7માં બસ સ્ટેન્ડ પાસે રહેતા 26 વર્ષના યુવાનને પણ કોરોનાની અસર થતા તમામ દર્દી હોમ આઇસોલેશનમાં છે.
ખાનગી લેબોરેટરી કોરોના પ્રોટોકોલ મુજબ પોઝીટીવ રીપોર્ટની નોંધ રાજય સરકારના પોર્ટલ પર ચડાવે છે. મહાપાલિકાએ વિસ્તારવાઇઝ સર્વેલન્સ, ટ્રેસીંગની કામગીરી શરૂ કરી છે. એક બીજાને કનેકટેડ હોય તેવા કેસ હજુ મળતા નથી.સૌ પહેલા ટ્રાવેલીંગ હિસ્ટ્રીની તપાસ કરવામાં આવે છે. કોઇ દર્દીને દાખલ કરવાની જરૂર પડી નથી. સરકાર પણ આ કોરોનાના હળવા લક્ષણ હોવાનું કહે છે. છતાં તકેદારી રાખવા સૌને અનુરોધ કરાયો છે. રાજયમાં કોરોનાના એકટીવ કેસની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે ત્યારે રાજકોટમાં ચાર દિવસમાં કોરોનાના નવા 10 કેસ આવી ગયા છે. આ સાથે રાજકોટમાં અત્યાર સુધીના કુલ કેસનો આંકડો 11 થયો છે.
આ તમામ દર્દીઓની સામાન્ય સ્થિતિ વચ્ચે પ્રથમ દર્દી સ્વસ્થ પણ થઇ જતા ચિંતાની કોઇ વાત આરોગ્ય વિભાગની લાગી નથી. તમામ દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે અને એક દર્દી કોરોના મુકત થયેલ છે. ગત સપ્તાહે તા. 19ના રોજ મવડીના એક વિસ્તારમાં કોરોના પોઝીટીવ દર્દી નોંધાતા આરોગ્ય વિભાગની ટીમે દોડીને સર્વેલન્સ કામગીરી કરી હતી.કોઇ ચિંતાની વાત આ ટ્રાવેલ હિસ્ટ્રીવાળા દર્દી હોમ આઇસોલેટ થયા બાદ હવે તેઓ કોરોના મુકત થઇ ગયા છે. ગઇકાલે ચાર કેસ જાહેર થયા હતા. તા.23ના રોજ 1, તા. 24ના રોજ 2 અને તા. 26ના રોજ 1 દર્દી નવો નોંધાયો છે.
તા. 23ના રોજ 39 વર્ષના મહિલાને કોરોના નિદાન થયું હતું. તેઓ શિવ પાર્ક વિસ્તારમાં રહે છે. તા. 24ના રોજ બે કેસ આવ્યા હતા. ગોવિંદનગરમાં રહેતા 74 વર્ષના પુરૂષ તથા સિલ્વર સોસાયટીમાં રહેતા પર વર્ષના પુરૂષને પોઝીટીવ રીપોર્ટ આવતા તેઓને હોમ કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે.ગઇકાલે રૈયા રોડના શિવાજી પાર્ક વિસ્તારમાં એક નવો કેસ નોંધાયો હતો. આ સાથે આઠ દિવસમાં રાજકોટમાં કોરોનાના કુલ પાંચ દર્દી નોંધાયા હતા. તે બાદ આવેલા છ સહિત નવા તમામ દર્દી હોમ આઇસોલેટ છે. હાલ મનપાના આરોગ્ય કેન્દ્રોમાં કોરોના ટેસ્ટીંગ માટે હજુ કીટ બેસાડવામાં આવી નથી પરંતુ સરકાર પાસેથી કીટ માંગવામાં આવી હોય, ટુંક સમયમાં આરોગ્ય કેન્દ્રોમાં ટેસ્ટીંગ શરૂ થશે તેમ જાણવા મળ્યું છે.