ચેન્નઈમાં પોતાની નવી ફિલ્મ ઠગ લાઈફના ઓડિયો લોન્ચ પ્રસંગે બોલતા હાસને કહ્યું કે, કન્નડ ભાષા તમિલમાંથી નીકળી છે
Chennai, તા.૨૮
દિગ્ગજ અભિનેતા અને રાજનેતા કમલ હાસન કન્નડ ભાષા પરની પોતાની ટિપ્પણીઓને કારણે વિવાદમાં સપડાઈ ગયા છે. ચેન્નઈમાં પોતાની નવી ફિલ્મ ઠગ લાઈફના ઓડિયો લોન્ચ પ્રસંગે બોલતા હાસને કહ્યું કે, કન્નડ ભાષા તમિલમાંથી નીકળી છે. તેમની આ ટિપ્પણી બાદ કર્ણાટક ભાજપના પ્રમુખ બી.વાય. વિજયેન્દ્રએ અભિનેતા પર પોતાની માતૃભાષાનો મહિમામંડન કરવાના પ્રયાસમાં કન્નડ ભાષાનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. ભાજપના નેતાએ એવી પણ માંગ કરી કે, અભિનેતા કન્નડ લોકો પાસે તાત્કાલિક અને બિનશરતી માફી માંગે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર વાતચીત કરતા વિજયેન્દ્રએ કહ્યું કે, કલાકારોમાં દરેક ભાષાનું સન્માન કરવાની સંસ્કૃતિ હોવી જોઈએ. આ અહંકારની પરાકાષ્ઠા છે કે, કન્નડ સહિત ઘણી ભારતીય ભાષાઓમાં અભિનય કરનારા અભિનેતા એ કન્નડ ભાષાનું અપમાન કર્યું છે.
તેમણે કહ્યું કે કન્નડ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ઘણા ભાગોમાં સદીઓથી એક પ્રમુખ ભાષા રહી છે. કર્ણાટક ભાજપ અધ્યક્ષે લખ્યું કે, દક્ષિણ ભારતમાં સદ્ભાવ લાવવાની વાત કરનારા કમલ હાસન છેલ્લા કેટલાક વર્ષોથી સતત હિન્દુ ધર્મનું અપમાન કરી રહ્યા છે અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી રહ્યા છે. હવે તેમણે ૬.૫ કરોડ કન્નડ ભાષી લોકોના આત્મસન્માનને ઠેસ પહોંચાડીને કન્નડ ભાષાનું અપમાન કર્યું છે. કમલ હાસને તાત્કાલિક કન્નડ લોકોની બિનશરતી માફી માંગવી જોઈએ.
વિજયેન્દ્રએ એમ પણ કહ્યું કે, કમલ હાસન કઈ ઈતિહાસકાર નથી કે તેઓ અધિકારપૂર્વક કહી શકે કે કઈ ભાષાએ કોને જન્મ આપ્યો છે. અઢી હજાર વર્ષો જૂનો ઈતિહાસ ધરાવતી કન્નડ ભાષા ભારતના સાંસ્કૃતિક નકશા પર સમૃદ્ધિ અને સૌહાર્દનું પ્રતીક રહી છે.
આપણે કમલ હાસનને યાદ અપાવવું જોઈએ કે કન્નડ લોકો કોઈપણ ભાષાને નફરત નથી કરતા, પરંતુ તેઓ પોતાની જમીન, ભાષા, જનતા, પાણી અને વિચારોના મામલામાં ક્યારેય પોતાના સ્વાભિમાન સાથે સમાધાન નથી કરતા નથી