Surendranagar:તા.29
સુરેન્દ્રનગર અભયમની ટીમે પ્રેમલગ્ન કરનાર પરિણીતાની મરજી વિરૃદ્ધ ગર્ભપાત થતો અટકાવી બે જીંદગી બચાવી સરાહનીય કામગીરી કરી હતી. દીકરીએ પ્રેમલગ્ન કર્યા હોય પિયર પક્ષના લોકો ગર્ભપાત કરાવવા હોસ્પિટલ લઇ ગયા હતા.
સુરેન્દ્રનગર ૧૮૧ અભયમ હેલ્પ લાઈનમાં પીડિતાના પરિવારજનનો ફોન આવ્યો હતો કે તેમના દીકરાના પત્નીને મરજી વિરૃધ્ધ પિયર પક્ષના લોકો ગર્ભપાત કરાવવા માટે હોસ્પિટલ લઈ ગયા હોવાનું જણાવી મદદ માંગી હતી. આથી ગણતરીની મિનિટોમાં જ કાઉન્સેલર શિતલબેન સોલંકી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પુછપરછ દરમિયાન પરિણીતાએ ૬ મહિના પહેલા પ્રેમ લગ્ન કર્યા હોય પિયર પક્ષના લોકોએ તેની સાથે સબંધ તોડી નાંખ્યો હતો. તેમ છતાંય પરિણીતા પિયર જવા ઈચ્છતા હોવાથી છેલ્લા ૧૫ દિવસથી પીયર ગયા હતા. જે દરમિયાન પીડિતાને પાંચ મહિનાની પ્રેગનેન્સી હોવાની પીયર પક્ષમાં જાણ થતાં બળજબરીપૂર્વક ધમકાવીને મરજી વિરૃધ્ધ ગર્ભપાત કરાવવા હોસ્પિટલ લઈને ગયા હોવાનું સામે આવ્યું હતું. તેમજ બંને પતિ-પત્ની સાથે રહેવા ઈચ્છતા હોવા છતાં પિયર પક્ષમાંથી પરિણીતાને સાસરે જવા દેતા નહોતા. આથી ટીમ દ્વારા બંને પક્ષને સાંભળી કાઉન્સેલિંગ કર્યું હતું અને ગર્ભપાત થતાં અટકાવ્યો હતો. તેમજ ગર્ભપાત કરાવવો કે ગર્ભ પરિક્ષણ કરાવવું તે પણ એક ગુનો હોવાની જાણકારી આપવામાં આવતા રાજીખુશીથી પીયર પક્ષના લોકો દિકરીને સાસરે મોકલવા માટે સહમત થયા હતા અને ભવિષ્યમાં આવી ભુલ નહીં કરે તેવી ખાત્રી પણ આપી હતી. આમ બંને પક્ષો દ્વારા સમાધાન થતાં ૧૮૧ અભયમ ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.