ચોરીમાં ગયેલા તમામ હીરા સહીત રૂ.61 લાખનો મુદ્દામાલ કબ્જે : રીઢા તસ્કર અજય નાયકાની ધરપકડ
બ્લાઇન્ડ કેસમાં એક એક કડી મેળવી ગુનાનો ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ સી એચ જાદવ, પીએસઆઈ મોવલિયા અને એ એન પરમારની ટીમ
Rajkot,તા.29
શહેરના કોઠારીયા રીંગ રોડ પર આવેલ ખોડીયાર ડાયમંડ નામના કારખાનામાંથી દોઢ માસ પૂર્વે રૂ. 60.83 લાખની કિંમતના 11,655 હીરાની ચોરીનો ચકચારી બનાવ સામે આવ્યો હતો. જે મામલે પોલીસની અલગ અલગ ટીમો તપાસ કરી રહી હતી પરંતુ ભેજાબાજ તસ્કરનું કોઈપણ પગેરું નહીં મળી આવતા આખે આખો મામલો બ્લાઇન્ડ કેસ તરફ ધકેલાયો હરો. પરંતુ મામલામાં ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ સી એચ જાદવ, પીએસઆઈ એમ કે મોવલીયા, પીએસઆઈ એ એન પરમારની ટીમે દોઢ માસ સુધી એક એક કડી મેળવી હીરા ચોરી જનાર તસ્કર અજય નાયકાને દબોચી લઈ તમામ હીરા રિકવર કર્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર ગત તારીખ 11 એપ્રિલના રોજ શહેરના કોઠારીયા રિંગ રોડ પર પીરવાડીની સામે ધરમનગર માં આવેલ ખોડીયાર ડાયમંડ નામના કારખાનામાં તારીખ 10 એપ્રિલની રાત્રે આઠ વાગ્યાથી માંડી 11 એપ્રિલની સવારે છ વાગ્યા સુધીમાં અજાણ્યો તસ્કર કારખાનાના પાછળના ભાગે આવેલ દરવાજો બળ વાપરી ખોલી કારખાનામાં પ્રવેશ કરી લોખંડની તિજોરીમાં રાખવામાં આવેલ કુલ 11,655 કાચા અને તૈયાર હીરા જેની કિંમત રૂ.60,83,650 ની ચોરી કરી લેવામાં આવી હતી. બનાવની જાણ થતા ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી જગદીશ બંગારવા, એસીપી ક્રાઇમ બી બી બસિયા, ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ, ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ તેમજ એલસીબી સહિતનો પોલીસકાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.
ભેજાબાજ તસ્કરે પોતાનું પગેરું છુપાવવા કારખાનાના સીસીટીવી કેમેરાનું ડીવીઆર કાઢી લીધું હોવાથી તસ્કરનું પગેરું મેળવવું અત્યંત મુશ્કેલ બન્યું હતું. ઉપરાંત ખાનગી અને સરકારી સીસીટીવી ફૂટેજમાં પણ તસ્કરની કોઈ ખાસ ભાળ મળી આવી ન હતી. જેથી રૂ. 60 લાખની હીરા ચોરીનો ભેદ ઉકેલવો લગભગ અશક્ય જેવું બન્યું હતું.
બનાવની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ અને એસીપી ક્રાઇમ ભરત બસીયા દ્વારા તાત્કાલિક હીરા ચોરીનો ભેદ ઉકેલવા સૂચના આપવામાં આવી હતી. જે સૂચના અનુસંધાને ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ આર ગોંડલીયા, પી.આઈ એમ એલ ડામોર, પીઆઈ સી એચ જાદવ, પીએસઆઇ એમ કે મોવલીયા તેમજ એ એન પરમારની ટીમો સતત પ્રયત્નશીલ હતી. દરમિયાન હીરા ચોરીનો ભેદ ઉકેલવા સીસીટીવી ફૂટેજ, ટેકનીકલ સોર્સિસ, આઈસીજેએસ પોર્ટલ, ઈ-પ્રિઝન પોર્ટલ, ઈ-ગુજકોપથી એ.એસ.આઇ. વિજયરાજસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ જયદેવસિંહ પરમાર, સંજયભાઈ રૂપાપરા, કોન્સ્ટેબલ તુલસીભાઈ ચુડાસમા અને સંજયભાઈ ખાખરીયાને મળેલ બાતમીના આધારે હીરા ચોરી કરનાર શંકાસ્પદ શખ્સને સુરતના ઉમરપાડાથી રાઉન્ડઅપ કરી આગવી ઢબે પૂછપરછ કરતા તેણે હીરા ચોરીની કબુલાત આપતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે તસ્કર અજય જગદીશભાઈ લલ્લુભાઈ નાયકા (ઉ.વ.34 હાલ રહે. રાજની વાડ, ઉમરપાડા, સુરત. મૂળ રહે સિવિલ દવાખાનાની સામે, મુકેશભાઈ લલ્લુભાઈ નાયકાની સાથે, વલસાડ) ની ધરપકડ કરી ચોરીમાં ગયેલ રૂ.60,83,650 ની કિંમતના 11,655 હીરા, મેગ્નેટિક હેમર ડ્રીલ, ડ્રિલ મશીનના પાના, ડીવીઆરનું બોક્સ, કાપડનું માસ્ક, ઈલેક્ટ્રીક વાયરની ટેપરોલ, ડીસમિસ કટર, વાયરીંગ કટર, હોલ્ડર, ટોપી, પ્લાસ્ટિકનું ફેસ માસ્ક, લોખંડની કોસ, મોબાઈલ મળી કુલ રૂ. 61,09,450 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, રીઢા તસ્કર અજય નાયકા વિરુદ્ધ રાજકોટ શહેરના અલગ અલગ પોલીસ મથક તેમજ શાપર અને ખેડા સહિતના અલગ અલગ પોલીસ મથકમાં 18 ચોરી સહિતના ગુના નોંધાયેલા છે. જ્યારે અજય નાયકા અગાઉ બે વાર પાસા તળે બે વાર જેલની હવા પણ ખાઈ ચૂક્યાનું ધ્યાને આવ્યું છે.