New Delhi,તા.30
ભારતમાં કોરોનાકાળ બાદ બેન્કોના ખાસ કરીને અનસિકયોર્ડ ધિરાણ જેમાં કોઈ જામીનગીરી વગર જ ધિરાણ આપવામાં આવ્યું હોય તેમાં પાઘડીનો વળ હવે છેડે આવી રહ્યો છે અને 2024/25ના વર્ષમાં બેન્કોએ આ અનસિકયોડ લોન માંડવાળ કરવામાં નવો રેકોર્ડ બનાવ્યો છે.
રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાના રિપોર્ટ મુજબ કહે છે કે આ લોન માંડવાળ કરવામાં આવી તેમાં સરકારી અને ખાનગી બન્ને ક્ષેત્રોની બેન્કોનો સમાવેશ થાય છે અને જે લોન માંડવાળ થઈ તેમાં લઘુ ઉદ્યોગો, નાની કૃષીલોનનો સમાવેશ થાય છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાએ 2024/25ના નાણાકીય વર્ષમાં કુલ રૂા.23542 કરોડની લોન માંડવાળ કરી છે જે તેના અગાઉના વર્ષમાં રૂા.17645 કરોડ હતી.
આ જ રીતે ખાનગી ક્ષેત્રની સૌથી મોટી આઈસીઆઈસીઆઈ બેન્ક દ્વારા રૂા.9271 કરોડની લોન માંડવાળ કરવામાં આવી છે. જે અગાઉના વર્ષે રૂા.60.91 કરોડ હતી તો એકસીસ બેન્ક દ્વારા રૂા.11863 કરોડની લોન માંડવાળ કરી છે. જે અગાઉના વર્ષમાં રૂા.8865 કરોડ હતી.
મધ્યમ કદની ખાનગી બેન્કોમાં આ પ્રકારે નાની રકમનું ધિરાણ માંડવાળ કરવાનું સૌથી ઉંચુ પ્રમાણ રહ્યું છે ત્યારે જાહેર ક્ષેત્રની બેન્કોની રીકવરી વધુ સારી રહી છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાના ચેરમેન સી.એસ.શેટ્ટીનો દાવો છે કે આ લોન માંડવાળ સામે 100% પ્રોવિઝન કરાયુ છે અને નાની રકમનું ધિરાણ જ માંડવાળ થયુ છે.
આ પ્રકારના ધિરાણ સતત નિયમન હેઠળ હોય છે તે રીકવરી ટીમને સુપ્રત થાય છે અને અમારા આ ધિરાણમાં નાની રકમના લઘુ ઉદ્યોગ અને કૃષી ધિરાણનો સમાવેશ થાય છે.
એકસીસ બેન્કના સીએફઓ પુનીત શર્માનો દાવો છે કે જે કંઈ થાય છે તે એક નિયમનાસાર અને પ્રક્રિયા મુજબ જ કરવામાં આવે છે અને આ સમયે જે રાઈટ ઓફ થયુ તે અનસિકયોર્ડ રીટેલ લોન છે.
દેશમાં બેડ બેન્ક જેવી એસેટસ રીકન્સ્ટ્રકશન બોડી ઉભી કરવામાં આવી છે. બેન્કોતેની જે વસુલાત ન થઈ શકે અથવા વધુ પ્રયાસો કરે તે ધિરાણ આ પ્રકારની બેડ બેન્કને વેચી નાખે છે અને બેડ બેન્ક તેની રીકવરી કરે છે અને દેશમાં છેલ્લા ત્રણ વર્ષમાં એકંદર 20% જેવુ ધિરાણ માંડવાળ થયુ છે.
જો કે કોવિડકાળ બાદ જે રીતે રીટેલ ધિરાણ વધ્યુ છે અને તે કોઈ જામીનગીરી વગરનું છે. તેમાં એનપીએ વધતા રીઝર્વ બેન્કે તમામ બેન્કો અને નોન બેન્કીંગ ફાયનાન્સ કંપનીઓને આ પ્રકારના ધિરાણ પર બ્રેક મારવા તાકીદ કરી હતી.

