Mumbai, તા.30
મુલ્લાનપુર, ચંડીગઢમાં રમાયેલી IPL ક્વોલિફાયર 1 મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સને ઘૂંટણે ટેકાડી દીધા હતા. આરસીબીના ફાસ્ટર બોલરો જોશ હેઝલવુડ અને સુયાશ શર્માની અસરકારક બોલિંગ સામે પંજાબ ફક્ત 101 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.
આમ આરસીબીએ આ લક્ષ્યને માત્ર 10 ઓવરમાં પાર કરીને 8 વિકેટથી વિજય મેળવ્યો. મેચ પછીના પ્રેઝન્ટેશનમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે સ્વીકાર્યું કે, આઈપીએલ ક્વોલિફાયર 1માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 8 વિકેટથી થયેલા પરાજય દરમિયાન તેની ટીમ પિચને લઈને આશ્ચર્યમાં હતી.
જોકે, પંજાબ કિંગ્સને બીજી વખત IPL ફાઇનલમાં પહોંચવાની તક મળશે. જ્યારે તેઓ ક્વોલિફાયર 2 માં એલિમિનેટર વિજેતા ગુજરાત ટાઇટન્સ અથવા મુંબઈ ઇન્ડિયન્સનો સામનો કરશે.
આરસીબીના ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ અને લેગ-સ્પિનર સુયાશ શર્મા સામે અનેક બેજવાબદાર શોટ રમવાને કારણે પંજાબની બેટિંગ નબળી પડી ગઈ હતી. પરંતુ શ્રેયસે મેદાન પરના તેના નિર્ણયો ખોટા હોવાનું સ્વીકારવાનો ઇનકાર કરતા કહ્યું કે ’હું મારા નિર્ણયો પર શંકા કરી રહ્યો નથી. અમે બેટિંગ પર ખાસ કરીને આવી પીચ પર કામ કરવું પડશે.
અહીં રમાયેલી બધી મેચમાં અમને અસમાન ઉછાળો જોયો છે. પરંતુ આપણે આવા બહાના આપી શકતા નથી કારણ કે અમે ખેલાડી છીએ અને પરિસ્થિતિ અનુસાર રમવું પડશે, અને તે જ સ્તરે પ્રદર્શન કરવું પડશે.
વધુમાં તેમણે કહ્યું કે, ’આ દિવસ ભૂલવાનો નથી, પરંતુ અમારે ડ્રોઇંગ બોર્ડ પર પાછા જવું પડશે. અમે ખૂબ જ ઝડપથી વિકેટ ગુમાવી દીધી. અમે જે પણ યોજના બનાવી હતી, તે બધુ બરાબર હતું. આપણે તેને મેદાન પર અમલમાં મૂકી શક્યા નહીં. આપણે બોલરોને પણ દોષ આપી શકીએ નહીં, કારણ કે લક્ષ્ય ખૂબ ઓછું હતું.’