Mumbai,
IPL 2025ની એલિમિનેટર મેચ આજે શુભમન ગિલના નેતૃત્વવાળી ગુજરાત ટાઈટન્સ (GT) અને કેપ્ટન હાર્દિક પંડયાની ટીમ મુંબઈ ઇન્ડિયન્સ (MI) વચ્ચે રમાશે. ન્યુ ચંડીગઢના મુલ્લાપુરમાં આયોજિત આ મેચમાં જે ટીમ હારશે એ ટ્રોફી જીતવાની રેસમાંથી બહાર થઈ જશે, જયારે જીતનારી ટીમ અમદાવાદમાં 1 જૂને રમાનારી ક્વોલિફાયર-ટૂ મેચ રમશે.
બન્ને ટીમ વચ્ચેની આ ટક્કર રોમાંચક બનશે, કારણ કે ગુજરાતની ટીમે વર્તમાન સીઝનની બે મેચ સહિત મે 2023 બાદ ચારેય મેચમાં મુંબઈને હરાવ્યું છે. હાર્દિક પંડયા પોતાની જૂની ટીમ સામે આ સિલસિલો તોડશે તો જ ટ્રોફીની વધુ નજીક પહોંચી શકશે.
મુલ્લાપુરમાં બન્ને ટીમ એકબીજા સામે પહેલી વાર ટકરાશે. ગુજરાત અને મુંબઈ આ મેદાન પર 2024માં હોમ ટીમ પંજાબ કિંગ્સ સામે એક-એક મેચ રમ્યાં છે અને જીત્યાં છે.
બન્ને ટીમનો પ્લેઓફ્સનો રેકોર્ડ કેવો રહ્યો છે?
આ બન્ને ટીમ વચ્ચે IPL પ્લેઓફ્સની 2023માં એકમાત્ર ટક્કર થઈ છે. જેમાં ગુજરાતે એલિમિનેટર મેચમાં દૂ2 રને મુંબઈને હરાવ્યું હતું. મુંબઈએ પ્લેઓફસની 20 મેચમાંથી 13માં જીત અને સાતમાં હાર નોંધાવી છે, જ્યારે ગુજરાત પાંચમાંથી ત્રણ મેચમાં જીત્યું છે અને બે મેચમાં હાર્યું છે.
એલિમિનેટર મેચ રમ્યા બાદ માત્ર એક જ ટીમ બની છે ચેમ્પિયન
2011માં IPL માં એલિમિનેટર ફોર્મેટ શરૂ થયા પછી ફક્ત એક જ ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ (2016) એલિમિનેટર મેચ રમીને ટાઈટલ જીતો શકી છે. એ સમયે આ ટીમ પોઈન્ટ્સ ટેબલ પર ત્રીજા ક્રમે હતી.
ચોથા ક્રમે રહેલી કોઈ પણ ટીમ હજી સુધી ચેમ્પિયન બની નથી. ગ્રુપ-સ્ટેજ બાદ પોઈન્ટ્સ ટેબલમાં પહેલા કમની ટીમ પાંચ વાર જ્યારે બીજા ક્રમની ટીમ સૌથી વધુ આઠ વાર ચૈમ્પિયન બની છે.