New Delhi,તા.30
ગુજરાતમાં 2036માં ઓલમ્પીકનું આયોજન કરવાની તૈયારી છે તે પુર્વે 2030માં રાજયમાં કોમનવેલ્થ ગેમ યોજાય તેના પ્રયાસો પણ શરુ થયા છે અને આ માટે બીડ સહિતની તૈયારીઓ માટે આગામી સપ્તાહે ગુજરાત સરકારનું એક પ્રતિનિધિમંડળ લંડન જશે.
ઓલમ્પીક માટે જે મેગા તૈયારીઓ ચાલી રહી છે તેનો પ્રથમ ટેસ્ટ 2030ના કોમનવેલ્થ આયોજનમાં થઈ જાય અને તેના પરથી ઓલમ્પીક તૈયારીઓ માટે પણ એક નવી માર્ગરેખા મળી રહે તે માટે ગુજરાતે 2030ના કોમનવેલ્થ ગેમમાં બીડ કરવાનું નકકી કર્યુ છે. જો કે આ બીડ ભારત સરકાર કરશે પણ યજમાન શહેર તરીકે અમદાવાદને રખાશે.
અગાઉ જ આ અંગે કોમનવેલ્થ ગેમ એસોસીએશનના ભારતના ચેરમેન પી.ટી.ઉષાએ કોમનવેલ્થને આ અંગે પત્ર લખ્યો છે અને લંડન જનારુ પ્રતિનિધિમંડળ લગભગ એક સપ્તાહ સુધીઅહી રોકાશે જેમાં રાજયના ખેલકુદ બાબતોના મંત્રી હર્ષ સંઘવી પણ જોડાય તેવી શકયતા છે.
જો કે હાલ સ્પોર્ટસ મંત્રાલયના પ્રિન્સીપાલ સચીવ અશ્વિનીકુમાર ઉપરાંત સ્પોર્ટસ સેક્રેટરી એમ.થેનારાસન અને અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના કમિશ્નર બંછાનીધી પાની ઉપરાંત પી.ટી.ઉષા પણ તેમાં સામેલ થશે. આ પ્રતિનિધિમંડળ ઓલમ્પીક ખેલ માટે શું શું આવશ્યકતા છે તે અંગે માહિતી મેળવીને ત્યારબાદ ગુજરાતનું પ્રેઝન્ટેશન કરશે.
રાજયમાં હાલ 23 જીલ્લાકક્ષાના અને 5 તાલુકા કક્ષાના સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ છે પરંતુ મહત્વપૂર્ણ રીતે ઓલમ્પીકની તૈયારીના ભાગરૂપે વધુ 13 જીલ્લા કક્ષાના અને 19 તાલુકા કક્ષાના સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ બનાવાશે જે ફકત તાલીમ માટે ઉપયોગમાં લેવાશે પણ મુખ્ય સ્ટેડીયમ અમદાવાદ અને તેની આસપાસ બનાવાશે. આ માટે 10 હજાર કરોડથી વધુનું બજેટ ફાળવી દેવાયુ છે અને ઓલમ્પીક કક્ષાની સુવિધાઓ ઉભી કરાશે.