વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના કારાકાટથી એકવાર ફરી પાકિસ્તાન અને આતંકવાદ પર પ્રહાર કર્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘જો હવે આતંકવાદ કરવા ઊભા થયા તો કચડી નાંખવામાં આવશે. બિહારની ધરતીથી ફરી પુનરાવર્તન કરૂ છુ કે, ઓપરેશન સિંદૂરમાં ભારતની તાકાત દુશ્મને જોઈ લીધી છે, દુશ્મન હવે જાણી લે કે આ તો ફક્ત એક ટ્રેલર છે.’
આર્મીના વખાણ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘ઓપરેશન સિંદૂરમાં દુનિયાએ આપણી BSFનો પણ અભૂતપૂર્વ પરાક્રમ જોયો. આપણી સરહદ પર તૈનાત BSFના સૈનિકો સુરક્ષાની અભેદ ચટ્ટાન બનીને ઊભા છે. અમારી લડાઈ દેશના દરેક દુશ્મન સાથે છે. પછી ભલે તે સરહદ પાર હોય કે સરહદની અંદર. બિહારની જનતા સાક્ષી છે કે, છેલ્લાં ઘણાં વર્ષોથી અમે હિંસા અને અશાંતિ ફેલાવનારનો કેવી રીતે ખાતમો કર્યો છે. થોડા સમય પહેલાં સાસારામ, કૈમુર અને આસપાસના આ જિલ્લામાં શું સ્થિતિ હતી? નક્સલવાદનો કેવો ત્રાસ હતો? આ લોકોને બાબાસાહેબના બંધારણ પર વિશ્વાસ નહોતો. જોકે, 2014 બાદ અમે આ દિશામાં વધુ ઝડપથી કામ કર્યું, અમે માઓવાદીને તેમના કર્મોની સજા આપવાનું શરૂ કર્યું. કારણ કે, જો શાંતિ સ્થાપિત થાય છે, તો જ વિકાસના રસ્તા ખુલી શકે છે.’
વડાપ્રધાન મોદીએ બિહારમાં કહ્યું કે, ‘આતંકવાદ સામે ભારતની લડાઈ હજુ રોકાઈ નથી છે અને ન રોકાશે. જો ફરી આતંકવાદ કરવા ઊભા થયા તો ભારત ઘરમાં ઘૂસીને કચડી નાંખશે. આ લોકોએ પાકિસ્તાનમાં બેસીને અમારી બહેનોનું સિંદૂર ભૂંસી દીધું હતું, બાદમાં આપણી સેનાએ તેમના ઠેકાણાને ખંડેર બનાવી દીધા. આ નવું ભારત છે અને નવા ભારતની તાકાત છે.’
બિહારના વિકાસ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, ‘પટના એરપોર્ટના ટર્મિનલને પણ આધુનિક બનાવવામાં આવ્યું છે. જેનું મને કાલે લોકાર્પણ કરવાનું સૌભાગ્ય મળ્યું. બિહટા એરપોર્ટ પર પણ 1400 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. બિહારમાં ફોર લેન રોડનું નેટવર્ક ઊભું કરવમાં આવશે. હજારો કરોડોની પરિયોજનાઓ બિહારમાં નવી તકનું નિર્માણ કરી રહી છે, જેનાથી યુવકોને રોજગારી મળશે, ટુરિઝ્મઅને વેપારને ફાયદો થશે. બિહારમાં રેલવેની સ્થિતિ પણ બદલાઈ રહી છે.’