Ahmedabad,તા.૩૦
કડી અને વિસાવદર બેઠકની પેટાચૂંટણીમાં પ્રચાર માટે આમ આદમી પાર્ટીએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે.આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને તેમના પત્ની સુનિતા કેજરીવાલ સ્ટાર પ્રચારકની યાદીમાં સામેલ છે.
આમ આદમી પાર્ટીએ કડી અને વિસાવદર બેઠક માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી, પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, દિલ્હીના પૂર્વ શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા અને સાંસદ સંજય સિંહ તથા સાંસદ રાઘવ ચઢ્ઢા વિસાવદર અને કડીની પેટા ચૂંટણીમાં પ્રચારમાં ઉતરશે. અરવિંદ કેજરીવાલજીના પત્ની સુનિતા કેજરીવાલ સ્ટાર પ્રચારક તરીકે ગુજરાતમાં પ્રચાર કરશે. રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા, દિલ્હીના ધારાસભ્ય ઇમરાન હુસેન, સહ પ્રભારી દુર્ગેશ પાઠક, સહ પ્રભારી ગુલાબસિંહ યાદવનુંનું નામ સ્ટાર પ્રચારકોના લિસ્ટમાં છે.
ગુજરાતના નેતાઓની વાત કરીએ તો,આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ચૈતર વસાવા, ધારાસભ્ય હેમંત ખવા, ધારાસભ્ય ઉમેશ મકવાણા, ધારાસભ્ય સુધીર વાઘાણી પણ સ્ટાર પ્રચારકની યાદીમાં સામેલ છે. આ તમામ રાષ્ટ્રીય નેતાઓ આવતીકાલે વિસાવદરના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાના રોડ શો ‘જન આશીર્વાદ યાત્રા’ અને ઉમેદવારી પત્રક ભરનાર કાર્યક્રમમાં હાજર રહેશે.
આમ આદમી પાર્ટીએ કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં ઉમેદવાર જાહેર કર્યો છે. આમ આદમી પાર્ટીથી જગદીશ ચાવડાના નામની કડી વિધાનસભાથી મોહર લાગી છે. આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કડી બેઠક પર પોતાના ઉમેદવારનું નામ જાહેર કર્યું છે.
ઈસુદાન ગઢવીએ કહ્યું કે, કડી અને વિસાવદર આમ આદમી પાર્ટી મજબૂતીથી લડશે અને જીતશે. કડી અને વિસાવદર ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો ડંકો વાગશે. કડી અને વિસાવદરની જનતા આપ સાથે છે, અહીંની જનતા બીજા પક્ષોને જાકારો આપશે.
કડી ખાતે ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયની શરૂઆત પહેલા પ્રભારી સુરેશ પટેલ, પીઢ નેતા નીતિન પટેલ, પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્મા, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મહામંત્રી રજની પટેલ સહિત ભાજપના સંસદ સભ્યો અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં ખાનગી સમીક્ષા બેઠક યોજાઇ હતી. અને ત્યારબાદ કડી વિધાનસભા પેટા ચૂંટણી માટે મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકવામાં આવ્યું હતું. પેટા ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયની શરૂઆત સાથે જ ભાજપના દિગ્ગજ નેતાઓએ ભાજપ કાર્યકરોની ઉપસ્થિતિમાં કડી વિધાનસભા ચૂંટણી માટે વિજયનો હુંકાર કર્યો હતો અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.