New Delhi,તા.31
હેટ સ્પીચના મામલે મઉ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (SBSP)ના નેતા અબ્બાસ અંસારીને કોર્ટે ગુનેગાર ઠેરવ્યા છે. ઉત્તર પ્રદેશના મઉમાં વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન આપવામાં આવેલા ભડકાઉ ભાષણના મામલે ધારાસભ્ય અબ્બાસ અંસારને કોર્ટે બે વર્ષની સજા ફટકારી છે અને ત્રણ હજારનો દંડ આપ્યો છે. મઉ જિલ્લાની એમપી-એમએલએ કોર્ટમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કેપી સિંહ દ્વારા આ સજા સંભળાવવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, આ મામલો 3 માર્ચ, 2022નો છે. જ્યારે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન અબ્બાસ અંસારીએ મઉના પહાડપુર મેદાનમાં આયોજિત એક જનસભામાં સરકાર બનવા પર અધિકારીઓને જોઈ લેવાની ધમકી આપી હતી. આ ભડકાઉ નિવેદનને લઈને વિરોધ થયો હતો અને મઉ કોતવાલીના તત્કાલિન સબ-ઇન્સ્પેક્ટર ગંગારામ બંદેએ તેમની સામે ફરિયાદ દાખલ કરાવી હતી.અબ્બાસ અંસારી પર IPCની 6 કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં કલમ 506, કલમ 171F, કલમ 189, કલમ 153A, કલમ 120Bનો સમાવેશ થાય છે. આ કલમો હેઠળ નોંધાયેલા કેસની સુનાવણી મઉ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (CJM) ડૉ. કેપી સિંહની કોર્ટમાં ચાલી રહી હતી, જેમણે હવે અબ્બાસ અંસારીને ગુનેગાર ઠેરવ્યા છે. આ કેસ એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે અબ્બાસ અંસારી માત્ર પૂર્વ બાહુબલી સાંસદ મુખ્તાર અંસારીના પુત્ર જ નથી, પરંતુ હાલમાં મઉ બેઠકના ધારાસભ્ય પણ છે.