માસુમ પુત્રીને પેટમાં દુખાવો ઉપાડતા ગર્ભ હોવાનું નિદાનમા ખુલ્યું: પત્નીની ગેરહાજરીમાં પતિ આચરતો હતો
Dhoraji,તા.02
ધોરાજી પંથકમાં 15 વર્ષની સગીરા પર પાલક પિતાએ દુષ્કર્મ આચરી તેણીને ગર્ભવતી બનાવી દીધી હતી. સગીરાને પેટમાં દુ:ખાવો થતાં નિદાન માટે હોસ્પિટલ લઈ જતા તેણીને બે માસનો ગર્ભ હોવાનું માલુમ પડતા પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. બાદમાં આ બાબતે દીકરીને તેની માતાએ પૂછતા પાલક પિતાએ જ કુકર્મ આચર્યાનું માલુમ પડ્યું હતું. આ અંગે સગીરાના મામાની ફરિયાદ પરથી પાટણવાવ પોલીસે આરોપી સામે દુષ્કર્મ-પોકસો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ બનાવને લઈ સમગ્ર પંથકમાં સગીર પુત્રી પર દુષ્કર્મ આચરનાર પાલક પિતા પ્રત્યે ફિટકારી લાગણી વરસી જવા પામી છે.
દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ધોરાજી પંથકના ગામમાં રહેતી ધોરણ 10 માં અભ્યાસ કરનાર 15 વર્ષ 11 મહિનાની સગીરા પર તેના પાલક પિતાએ દુષ્કર્મ આચર્યા અંગે પાટણવાવ પોલીસ સ્ટેશનમાં સગીરાના મામાએ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદને ટાંકી પોલીસે આપેલી વિગતો મુજબ, ધોરણ 10 માં અભ્યાસ કરનાર સગીરા અહીં માતા અને પાલક પિતા સાથે રહે છે. તેણીને પેટમાં દુ:ખાવો ઉપડતા તેને નિદાન માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. દરમિયાન તેણીને બે માસનો ગર્ભ હોવાનું તબીબે જણાવતા સગીરાની માતા ચોંકી ઉઠી હતી. બાદમાં આ બાબતે દીકરીને પૂછતા તેણે આપવીતી જણાવી હતી કે, પાલક પિતાએ તેની સાથે માતાની ગેરહાજરીમાં વારંવાર શરીર સંબંધ બાંધ્યો હોવાનું જણાવતા સગીરાની માતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. બાદમાં આ બાબતે પરિવારજનો સાથે વાત કરી આ બનાવ અંગે સગીરાના મામાએ આ ફરિયાદ નોંધાવી છે.પાટણવાવ પોલીસે આ અંગે આરોપી એવા સગીરાના પાલક પિતા વિરુદ્ધ પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. સાવકી પુત્રી પર દુષ્કર્મ આચરી તેને બે માસનો ગર્ભ રાખી દેનાર પાલક પિતા પ્રત્યે ફિટકારની લાગણી વરસી જવા પામી હતી.