સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોના આધારે ભક્તિનગર પોલીસ દ્વારા તપાસ
Rajkot,તા.03
શહેરમાં નજીવી બાબતે હથિયારો સાથે હુમલાની ઘટનાઓ હવે સામાન્ય બની રહી છે. ત્યારે આ વાતની પ્રતીતિ કરાવતી વધુ એક ઘટના સામે આવી છે. શહેરના ઔદ્યોગિક વસાહત એવા અટીકા ફાટક પાસે નેહરૂનગર વિસ્તારમાં રાત્રિના ધાર્મિક સ્થળ નજીક પરપ્રાંતીય યુવાનો પર કેટલાક શખસો હથિયારો વડે હુમલો કરી રહ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ થયેલા આ વીડિયોને લઈ ભક્તિનગર પોલીસે તપાસ શરૂ કરી છે.જાણવા મળતી વિગતો મુજબ, આજરોજ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે. જેમાં શહેરના અટીકા ફાટક પાસેના નેહરૂનગર વિસ્તારમાં રાત્રિના સમયનો આ વિડીયો હોવાનું જણાઇ આવે છે. જેમાં અહીં આવેલા ધ્યાન મંદિર નજીક પરપ્રાંતિય શ્રમિક યુવાનો પર કેટલાક ગુંડા તત્વો ધોકા- પાઇપ સહિતના હથિયારો વડે હુમલો કરી રહ્યા હોવાનું વીડિયોમાં નજરે પડે છે. વાયરલ થયેલો આ વિડીયો બે દિવસ પૂર્વેનો હોવાનું સીસીટીવી ફૂટેજ પરથી માલુમ પડી રહ્યું છે.
નેહરૂનગર વિસ્તારમાં પરપ્રાંતીય યુવાનો પર આવારાતત્વો દ્વારા હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના અંગેનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આ મામલે ભક્તિનગર પોલીસે તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજના આધારે વીડિયોમાં નજરે પડતા શખસોની ઓળખી કાઢવા કવાયત હાથ ધરી છે.