Morbi,તા.06,
ટંકારા નજીક હાઈવે હોટલ પાસે આંગડિયા પેઢીના 90 લાખની રોકડ રકમની લૂંટમાં સંડોવાયેલો વધુ એક આરોપીને પાલીતાણા તાલુકાના દૂધાળા ગામ પાસે વીજા બાપા આશ્રમમાંથી પોલીસે પકડી પાડી રૂ. 90 લાખની લૂંટ પૈકી રૂ. 1 લાખ રોકડ રકમ કબજે લીધી હતી. આ લૂંટ પ્રકરણમાં રૂ. 72.50 લાખ રોકડા અને અન્ય મુદ્દામાલ સહિત રૂ. 81.50 લાખની રકમ રીકવર થઈ ચૂકી છે. આજે પકડાયેલા આરોપી પાસે લુંટનું રીકન્સ્ટ્રકશન કરાવ્યું હતું.
ગત તા. 21 મેના રોજ ફરિયાદી નીલેશભાઈ ભાલોડી અને જયસુખભાઈ ફેફર બંને રાજકોટથી ટી એન્ટરપ્રાઈઝ આંગડીયા પેઢીના રોકડ રૂપિયા લઈને ગાડીમાં મોરબી આવતા હતા ત્યારે કારનો પીછો કરી ખજુરા હોટેલ પાસે લાકડાના ધોકા, પાઈપ વડે હુમલો કરી 90 લાખની રોકડ લૂટ ધાડ કરી આરોપીઓ નાસી ગયા હતા. ફરિયાદીએ સાતેક અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે નાકાબંધી દરમિયાન આરોપી અભી લાલભાઈ અલગોતર અને અભિજિત ભાવેશ ભાર્ગવ રહે બંને ભાવનગર વાળાને ઝડપી લઈને રોકડ રૂ 72.50 લાખ અને અન્ય મુદામાલ સહીત કુલ રૂ 81.50 લાખની મત્તા કબજે લીધી હતી. લૂંટના ગુનામાં માહિતી આપનાર જબલપુર સીમમાં બાલાજી કારખાનાનો સંચાલક દિગ્વિજય અમરશી ઢેઢીનું નામ ખુલતા તેને પણ ઝડપી લેવામાં આવ્યો હતો.