Jamnagarતા ૯,
સમગ્ર ગુજરાત રાજ્યની સાથે સાથે જામનગર શહેર અને જિલ્લામાં આજથી વેકેશન પૂરું થયું છે, અને નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. શહેર જિલ્લાની તમામ સરકારી તેમજ ખાનગી શાળાઓમાં આજથી નવા અભ્યાસક્રમનો પ્રારંભ થયો છે, ત્યારે વિદ્યાર્થીઓ ફરી સ્કુલ તરફ વળ્યા છે.
નાના નાના બાળકો ની આંગણવાડી તથા નર્સરી વગેરેમાં પણ આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં ફરી વિદ્યાર્થીઓની કિકિયારી ગુંજી ઉઠી છે. આજે પ્રથમ દિવસે કેટલીક ખાનગી શાળાઓમાં ટ્રસ્ટીગણ અને શિક્ષકગણ વગેરે દ્વારા શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો પણ યોજાયા હતા, અને વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
દરેક વિદ્યાર્થીઓએ પોતાના આગળના ક્રમના અભ્યાસ માટેના નવા ક્લાસરૂમમાં જઈ શિક્ષક ગણના આશીર્વાદ મેળવ્યા હતા, અને નવો અભ્યાસક્રમ શરૂ કર્યો છે. જામનગર શહેર-જિલ્લાની ખાનગી શાળાઓમાંથી કેટલાક વિદ્યાર્થીઓએ પાઠ્યપુસ્તકો તેમજ સ્ટેશનરીનું સાહિત્ય સ્કૂલમાંથી જ મેળવ્યું છે, તો ક્યાંક શાળાઓની આજુબાજુમાં આવેલી સ્ટેશનરીની દુકાનોમાં પાઠ્યપુસ્તકો તથા અન્ય સ્ટેશનરી સહિતનું સાહિત્ય, સ્કૂલ ડ્રેસ વગેરે ખરીદી કરવા માટે પડાપડી કરી રહ્યા છે.