New Delhi,તા.10
વેસ્ટ ઈન્ડિઝની ટીમનો એક સમયે ક્રિકેટ જગતમાં દબદબો હતો. 1970 અને 1990ના દાયકામાં આ ટીમ પાસે શાનદાર ફાસ્ટ બોલરોની સેના હતી. મેલ્કમ માર્શલ, જોએલ ગાર્નર, કર્ટલી એમ્બ્રોઝ, એન્ડી રોબર્ટ્સ જેવા ફાસ્ટ બોલરોનો સામનો કરવો બેટ્સમેન માટે સરળ નહતું. જોકે, ધીમે-ધીમે વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટનો ગ્રાફ ઘણો નીચે જતો રહ્યો. ઘણા ફાસ્ટ બોલરો ઉભરી આવ્યા પરંતુ તેમાંથી મોટાભાગના ઈન્ટરનેશનલ લેવલ પર એટલા સફળ ન થઈ શક્યા.
જોકે, ટીનો બેસ્ટે બેટિંગમાં એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો. 13 વર્ષ પહેલાં આજના દિવસે એટલે કે 10 જૂન 2012ના રોજ બેસ્ટે બર્મિંગહામ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે 11માં ક્રમે બેટિંગ કરતા 95 રન બનાવ્યા હતા. ત્યારે ટેસ્ટ ક્રિકેટમાં 11માં ક્રમે કોઈપણ બેટ્સમેન દ્વારા આ સૌથી વધુ સ્કોર હતો. જુલાઈ 2013માં ઓસ્ટ્રેલિયન સ્પિનર એશ્ટન એગરે ઈંગ્લેન્ડ સામે જ નૉટિંગહામ ટેસ્ટમાં 98 રનની ઈનિંગ રમીને ટીનો બેસ્ટનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.
ટીનો બેસ્ટ ક્રિકેટ સિવાય અન્ય કારણોસર પણ ચર્ચામાં રહે છે. બેસ્ટે પોતાની આત્મકથા ‘માઇન્ડ ધ વિન્ડોઝ: માય સ્ટોરી’માં દાવો કર્યો છે કે, ‘પોતાના કરિયર દરમિયાન મેં 500થી વધુ મહિલાઓ સાથે સબંધ બનાવ્યો હતો.’ તેણે મજાકમાં પોતાને ‘બ્લેક બ્રેડ પિટ’ ગણાવ્યો હતો. બેસ્ટે એ પણ ઉલ્લેખ કર્યો હતો કે, ‘મારી આ લાઈફસ્ટાઈલે મેદાન પર મારા પ્રદર્શનને અસર નહોતી કરી અને હું હંમેશા સખત મહેનત કરતો હતો.’ તેના આ ખુલાસાથી ઘણો વિવાદ સર્જાયો હતો.
ટીનો બેસ્ટ પોતાની આત્મકથામાં લખ્યું છે કે, ‘મને છોકરીઓ ખૂબ ગમે છે અને છોકરીઓ પણ મને ખૂબ પસંદ કરે છે. મને લાગે છે કે હું દુનિયાનો સૌથી સુંદર દેખાતો ટકલો પુરુષ છું. હું મજાકમાં કહું છું કે હું ‘બ્લેક બ્રેડ પિટ’ છું. એક ક્રિકેટર તરીકે હું જ્યાં પણ ગયો ત્યાં મેં છોકરીઓ સાથે વાત કરી, છોકરીઓ સાથે સૂઈ ગયો. મારો અંદાજ છે કે, હું દુનિયાભરમાં 500થી 650 છોકરી સાથે સબંધ બનાવ્યા છે.’
ટીનો બેસ્ટે આગળ કહ્યું કે, ‘મારો પહેલો પ્રેમ મેલિસા સાથે મારી એક સુંદર દીકરી થઈ જેનું નામ તમાની છે, પરંતુ અમારા માટે વસ્તુઓ ખરાબ થઈ ગઈ. મેલિસા સાથે બ્રેકઅપ થયા પછી હું એક પ્લેબોય બની ગયો. સરળ શબ્દોમાં કહું તો મહિલાઓનો દીવાનો બની ગયો. જો મને કોઈ છોકરી પસંદ આવે, તો હું તેની પાસે જઈને વાત કરું છું, પછી ભલે તે કોઈ પણ હોય. જો મેં બેયૉન્સને જોઈ અને તે સિંગલ હતી, તો હું તેની પાસે જઈને કહેતો, ‘હાય, મારું નામ ટીનો છે. તારું નામ શું છે?’ કોઈ પણ છોકરી મને ડરાવી નહોતી શકતી.’
ટીનો બેસ્ટ ખાસ કરીને ઓસ્ટ્રેલિયન છોકરીઓ પ્રત્યે ખાસ આકર્ષિત હતો. તેણે લખ્યું કે, સૌથી સુંદર છોકરીઓ ઓસ્ટ્રેલિયન હોય છે. મને લાગે છે કે તેઓ અદ્ભુત હોય છે. તેઓ ખરેખર પોતાની ફિટનેસ પર ધ્યાન આપે છે અને તેમના શરીર અદ્ભુત હોય છે.’ 2005માં ઓસ્ટ્રેલિયન પ્રવાસ દરમિયાન મેં 40થી વધુ મહિલાઓ સાથે સંબંધો બનાવ્યા હતા.’
ટીનો બેસ્ટે વેસ્ટ ઈન્ડિઝની બોલિંગમાં એ આક્રમકતા, આત્મવિશ્વાસ અને ઉર્જા લાવ્યો જે લાંબા સમયથી ગાયબ હતી. ટીનો બેસ્ટ છેલ્લા બોલ સુધી લડતો રહેતો હતો. તેણે મે 2003માં ઓસ્ટ્રેલિયા સામે પોતાના હોમ ગ્રાઉન્ડ પર ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું, જ્યાં તે કોઈ વિકેટ નહોતો લઈ શક્યો. નબળા પ્રદર્શનને કારણે ટીનો બેસ્ટ ટીમમાંથી બહાર થતો રહેતો હતો. ફેબ્રુઆરી 2008માં વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ (CWI) તરફથી કોન્ટ્રાક્ટ ન મળતા, તે ઈન્ડિયન ક્રિકેટ લીગ (ICL)માં જોડાયો.
જોકે, બીજા વર્ષે ટીનો બેસ્ટ અણધારી રીતે ટેસ્ટ ટીમમાં વાપસી કરી઼. ટીનો બેસ્ટે 2012માં બાંગ્લાદેશ સામેની બે મેચની ટેસ્ટ સીરિઝમાં 12 વિકેટ લીધી હતી, જે ટેસ્ટ ક્રિકેટમાં બોલ સાથેનું તેનું સૌથી યાદગાર પ્રદર્શન હતું. ટીનો બેસ્ટની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની છેલ્લી મેચ જાન્યુઆરી 2014માં વેલિંગ્ટનમાં ન્યુઝીલેન્ડ સામે હતી.
ટીનો બેસ્ટે વેસ્ટ ઈન્ડિઝ માટે 25 ટેસ્ટ, 26 વન-ડે અને 6 T20 ઈન્ટરનેશનલ મેચ રમ્યો છે. ટેસ્ટ મેચોમાં બેસ્ટે 40.19ની એવરેજથી 57 વિકેટ ખેરવી હતી. આ દરમિયાન તેણે બે વખત એક ઈનિંગમાં પાંચ કે તેથી વધુ વિકેટ ઝડપી હતી. વન-ડે ઈન્ટરનેશનલમાં ટીનો બેસ્ટે 34.02ની એવરેજથી 34 વિકેટ લીધી છે. T20 ઈન્ટરનેશનલમાં 6 વિકેટ લીધી હતી. બેસ્ટે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કુલ 494 રન બનાવ્યા હતા.
ટીનો બેસ્ટ પણ વેસ્ટ ઈન્ડિઝના એ ફાસ્ટ બોલરોમાં સામેલ હતો જેમનું ઈન્ટરનેશનલ કરિયર ‘આઉટ ઓફ ટ્રેક’ જ રહ્યું. બાર્બાડોસમાં જન્મેલા ટીનો બેસ્ટની તુલના વેસ્ટ ઈન્ડિઝના મહાન બોલર વેસ હૉલ સાથે કરવામાં આવતી હતી, પરંતુ તે આ દિગ્ગજની જેમ ક્રિકેટ જગતમાં પોતાની છાપ ન છોડી શક્યો. 5 ફૂટ 8 ઈંચ ઊંચો ટીનો બેસ્ટ પોતાના કરિયરમાં વેસ્ટ ઈન્ડિઝ માટે માત્ર 57 મેચ રમી શક્યો.