New Delhiતા.11
ભારતીય અંતરિક્ષયાત્રી શુભાંશુને આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન- આઈએસએસ લઈ જનાર એકસીઓમ સ્પેસના મિશન એકસીઓમ-4ને વધુ એકવાર રોકી દેવામાં આવ્યું છે.
આ મિશન આજે બુધવારે લોન્ચ થવાનું હતું પણ ફાલ્કન-9 રોકેટમાં ખરાબીના કારણે આ પ્રક્ષેપણને રોકી દેવામાં આવ્યું છે. ભારતીય અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લાનું Axiom-4 મિશન ફરી એકવાર મુલતવી રાખવામાં આવ્યું છે.
’સ્ટેટિક ફાયર’ પરીક્ષણ પછી બૂસ્ટરના નિરીક્ષણ દરમિયાન લિક્વિડ ઓક્સિજન (LOx) લીકેજ મળી આવ્યા બાદ મિશન પર બ્રેક લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મિશન હેઠળ, ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને ISS મોકલવાના હતા.
સ્પેસએક્સે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ મથક (ISS) માટે નિર્ધારિત Axiom-4 મિશનના લોન્ચિંગને મુલતવી રાખવાની પુષ્ટિ કરી છે. શુભાંશુને લઈને Axiom-4 મિશન બુધવારે સાંજે 5:30 વાગ્યે લોન્ચ થવાનું હતું.
Axiom-4 મિશનમાં ભારત, પોલેન્ડ અને હંગેરીના અંતરિક્ષ યાત્રીઓ શામેલ હતા. સ્પેસએક્સે X પર પોસ્ટ કરીને લખ્યું છે કે, Axiom-4 મિશન માટે ફાલ્કન 9 રોકેટનું આવતીકાલનું લોન્ચિંગ મુલતવી રાખવામાં આવી રહ્યું છે જેથી સ્પેસએક્સ ટીમો LOx લીકને ઠીક કરી શકે. કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે લોન્ચિંગની નવી તારીખ સમારકામ પૂર્ણ થવા અને રેન્જ ઉપલબ્ધતાના આધારે શેર કરવામાં આવશે.
મિશનના ઉડાનની નવી તારીખ હજુ જાહેર નથી થઈ. એન્જીનીયરોએ સ્પેસ 
એકસના ફાલ્કન-9 રોકેટમાં લીકને ઠીક કરવા માટે સમય માંગ્યો છે. સ્પેસ એકસે જણાવ્યું હતું કે રિપેરીંગ કામ પુરું થયા બાદ અમે નવી લોન્ચ તારીખ જાહેર કરશું.
ઉલ્લેખનીય છે કે, ભારતીય નાગરિક શુભાંશુ સાથે અંતરિક્ષ યાત્રાએ પોલેન્ડના સ્લાવોસ્જ ઉજમાન્સ્કી-વિસ્નીવસ્કી, હંગેરીના ટિબોર કાળુ છે. મિશનની કમાન્ર અમેરિકી અંતરિક્ષ યાત્રી પેગી વ્હિટસન સામેલ છે. શુભાંશુ મિશનના પાયલોટ છે.




