ઘણા લોકો મારા પુત્ર યશવર્ધનને ‘હર્ષવર્ધન’ કહીને બોલાવે છે, જે અનિલ કપૂરજીના દીકરાનું નામ છે : સુનિતા
Mumbai, તા.૧૩
એક સમય હતો જ્યારે સુપરસ્ટાર ગોવિંદા બોલિવૂડ પર રાજ કરતા હતા અને તેમની ફિલ્મો થિયેટરોમાં અઠવાડિયાઓ સુધી ધૂમ મચાવતી હતી. લાંબા સમયથી મોટા પડદાથી દૂર રહેલા ગોવિંદાના ફેન્સ માટે હવે એક ખુશીના સમાચાર આવ્યા છે. ગોવિંદાના પુત્ર યશવર્ધન આહુજા હવે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. હાલમાં જ રિયાલિટી શો ‘લોક અપ ૨’ માંથી બહાર આવ્યા બાદ ગોવિંદાની પત્ની સુનીતા આહુજાએ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે તેમના પુત્ર યશવર્ધનની ડેબ્યૂ ફિલ્મ આગામી સપ્ટેમ્બર મહિનામાં રિલીઝ થવા જઈ રહી છે.આ ફિલ્મની સૌથી ખાસ વાત એ છે કે જાણીતા પ્રોડ્યુસર એકતા કપૂર દ્વારા બનાવવામાં આવી રહેલી આ ફિલ્મમાં ગોવિંદાની પત્ની સુનીતા આહુજા પણ ૫૯ વર્ષની ઉંમરે પોતાનું એક્ટિંગ ડેબ્યૂ કરવા જઈ રહી છે. ફિલ્મમાં તેઓ પોતાના રિયલ લાઇફ પુત્ર યશવર્ધનની ઓન-સ્ક્રીન માતાનો રોલ ભજવી રહ્યા છે. સુનીતા આહુજાએ જણાવ્યું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઈતિહાસમાં આ પહેલીવાર બનશે જ્યારે રિયલ લાઈફ માતા અને પુત્ર એક જ ફિલ્મથી સાથે લોન્ચ થઈ રહ્યા હોય. આ સાથે તેમણે એકતા કપૂરનો આભાર માનતા કહ્યું કે એકતાના કારણે જ તેઓ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ સુધી પહોંચી શક્યા છે.સુનીતા આહુજાએ ઈન્ટરવ્યુમાં નામની મૂંઝવણ દૂર કરતા સ્પષ્ટ કર્યું હતું કે, “ઘણા લોકો મારા પુત્ર યશવર્ધનને ‘હર્ષવર્ધન’ કહીને બોલાવે છે, જે અનિલ કપૂરજીના દીકરાનું નામ છે. મારા દીકરાનું સાચું નામ યશ આહુજા (યશવર્ધન) છે.” તેમણે ફેન્સને અપીલ કરી છે કે જેમ જનતાએ ગોવિંદાને અઢળક પ્રેમ આપ્યો છે, તેવો જ પ્રેમ અને આશીર્વાદ તેમના પુત્ર યશ અને તેમને પણ આપે જેથી તેઓ લોકોને ભરપૂર મનોરંજન પૂરું પાડી શકે.

