Tehran,તા.17
મધ્યપુર્વમાં પાંચ દિવસથી ઈઝરાયેલ-ઈરાન વચ્ચે ભડકેલા યુદ્ધમાં કોઈ સમાધાન નથી અને વધુ ભડકી રહ્યું છે ત્યારે એક ગંભીર વળાંક અંતર્ગત અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લોકોને તહેરાન ખાલી કરી દેવાની ચેતવણી આપી છે.
એટલુ જ નહીં જી-7 દેશોની બેઠક છોડીને પરત ફરી ગયા છે. આ સંજોગોમાં અમેરિકા યુદ્ધમાં ઝંપલાવે છે કે યુદ્ધવિરામ માટેના નિર્ણાયક પ્રયત્નો કરે છે તેના પર મીટ માંડવામાં આવી રહી છે.
ઈઝરાયેલ-ઈરાન વચ્ચેનો જંગ પાંચમા દિવસમાં પ્રવેશ્યો છે. ઈઝરાયેલ હજુ ઈરાનના અણુ કાર્યક્રમનો ધ્વંશ કરી શકયુ નથી. બન્ને દેશો દ્વારા સામસામા હુમલા ચાલુ જ રહ્યા છે. આજે વ્હેલી સવારે ઈઝરાયેલે ઈરાનના મહત્વના સ્થાનોને નિશાન બનાવીને હુમલા કર્યા હતા. ગઈરાત્રે ઈરાની મિસાઈલો ત્રાટકયા હોય તેમ તેલઅવિવમાં સાઈરનો ગુંજતા રહ્યા હતા.
મધ્યપુર્વના આ ઘર્ષણમાં હવે નિર્ણાયક વળાંક આવવાનો હોય તેમ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મહત્વનુ વિધાન કર્યુ છે. જી-7 દેશોની સમીટમાં ભાગ લેવા ગયેલા ડોનાલ્ડ ટ્રમ્પે બેઠક અધવચ્ચેથી છોડીને પરત ફરવાનું જાહેર કર્યુ છે એટલુ જ નહીં ઈરાની નાગરિકોને પાટનગર તહેરાન છોડી દેવાની ધમકી આપી છે.
આ ચેતવણીનો અર્થ ઈરાન પર હવે અમેરિકા ત્રાટકશે તેવો કાઢવામાં આવી રહ્યો છે. સંઘર્ષવિરામના પ્રયાસો તેજ કરવાની પણ કોશિશ કરવામાં આવી રહી છે.
અમેરિકી વ્હાઈટ હાઉસના અધિકારીએ જણાવ્યું હતું કે જી-7 દેશો દ્વારા ઈઝરાયેલ-ઈરાન વચ્ચેનુ યુદ્ધ રોકવા તથા તણાવ ઘટાડવા માટે થનારા પ્રસ્તાવમાં પણ સહી નહીં કરવાનો પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નિર્ણય લીધો છે. તેના આધારે ટ્રમ્પ તથા સાથી રાષ્ટ્રો વચ્ચે મતભેદ હોવાની સાબીતી મળવા લાગી છે.
અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ટ્રુથ સોશ્યલ મીડીયા પર જણાવ્યું હતું કે ઈરાને અણુ કરાર કરી લેવાની જરૂર હતી. માનવ જીંદગીઓનો ભોગ લેવાય રહ્યો છે. ઈરાને અણુશસ્ત્રો રાખવાની જરૂર નથી અને આ વાત હું વારંવાર કરી રહ્યું છે. તમામ લોકો તાત્કાલીન તહેરાન છોડી દયે.
જી-7 દેશોમાં ટ્રમ્પ ઉપરાંત અમેરિકાના અન્ય નેતાઓ પણ અધવચ્ચે નિકળી ગયા છે. બીજી તરફ ઈરાન-ઈઝરાયેલ વચ્ચે હુમલા ચાલુ છે. તહેરાનમાં આજે સવારે પ્રચંડ વિસ્ફોટો સંભળાયા હતા અને અણુ સુવિધા ધરાવતા નેતોઝમાં એર ડીફેન્સ સિસ્ટમ એકટીવેટ કરવામાં આવી હતી. મધરાત બાદ ઈઝરાયેલમાં પણ આકાશી હુમલાના સાયરન વાગ્યા હતા અને મિસાઈલ હુમલાના ધડાકા સંભળાયા હતા.