Porbandar,તા.15
જો તમો પોરબંદરના કુછડીને અહીના પૌરાણીક અને પુરાતત્વીય મહત્વ ધરાવતા ભગવાન ખીમેશ્વર મહાદેવના મંદિર તરીકે ઓળખતા હો કે પછી જેઓ પક્ષીપ્રેમી છે તે અહી આવતા વિદેશી પક્ષી યાયાવર નિહાળવા પહોંચતા હોય તો ભવિષ્યમાં આ નાનુ કૃષી આધારિત ગામ ટુંક સમયમાં જ ભારતના જહાજી ઉદ્યોગના નકશા પર સ્થાન મેળવી જશે.
ગુજરાત સરકાર રાજયના સર્વાંગી વિકાસ અને તેમાં આધુનિક ટેકનોલોજી ક્ષેત્રે રાજયને દેશનું સેમીકન્ડકટર ચીપ નિર્માણ માટે હબ બનાવવા જઈ રહી છે તો વિશાળ સમુદ્રી કિનારાનો પણ લાભ લઈને અહી વ્યાપાર-ઉદ્યોગ સ્થપાય તે જોવા જઈ રહી છે.
તેમાં એક મહત્વાકાંક્ષી નિર્ણયમાં પોરબંદરના કુછડીને શીપ બિલ્ડીંગમાં એક મહત્વના મથક તરીકે વિકસાવશે. શીપ બ્રેકીંગમાં તો ભાવનગરનું અલંગ એ હબ બન્યુ છે તો હવે કુછડીમાં મરીન શીપયાર્ડ પાર્ક નિર્માણ કરશે જે ભવિષ્યમાં જહાજી નિર્માણ રિપેરીંગમાં એક વિશાળ મથક હશે.
રાજય સરકારે શીપ બિલ્ડીંગ એન્ડ રિપેર પોલીસી તૈયાર કરી છે અને તેની જાહેરાત ટુંક સમયમાં થશે તથા વૈશ્વિક-રાષ્ટ્રીય રોકાણકારોને આમંત્રણ અપાશે. સૌરાષ્ટ્રના આ ક્ષેત્રનો દરિયા કિનારો તે માટે સાનુકુળ છે અને તે હવે શિપ બિલ્ડીંગમાં તામિલનાડુ સાથે સ્પર્ધા કરશે. આ માટે ગુજરાત સરકાર દિનદયાળ પોર્ટ ઓથોરિટી અને ગુજરાત મેરીટાઈમ બોર્ડને સાથે લાવશે.
નેશનલ શીપ બિલ્ડીંગ એન્ડ હેવી ઈન્ડસ્ટ્રીઝ આ માટે એક ખાસ પ્લેટફોર્મ તૈયાર કરશે અને તેમાં રોકાણ-ઈન્ફ્રાસ્ટ્રકચર કુશળ માનવશક્તિ વિ.નો સમન્વય કરાશે. જેમાં સરકાર ઉદ્યોગોને રેડી-ટુ-પ્લગ એટલે કે શિપબિલ્ડીંગ શરૂ કરવા પાયાની સુવિધા તથા મુડીરોકાણ પણ કરશે અને સપોર્ટ એકમો- રિસર્ચ વિ. માટે પણ ખાસ સુવિધા આપશે. રાજયમાં જે રીતે સેમીકન્ડકટર- ડેટા ઉદ્યોગને માટે પોલીસી સપોર્ટ તથા અન્ય સબસીડી- ટેક્ષ રાહત- સ્ટેમ્પ ડયુટી રાહત અપાઈ છે.
તેવી જ રાહત આ શીપ બિલ્ડીંગમાં મળશે. ખાસ કરીને વિશાળકાય ઉદ્યોગોની સાથે સમાંતર નાના ઉદ્યોગોને વેગ મળે તે જોવાશે. પોરબંદર-જુનાગઢ જીલ્લા કોઈ મોટા ઉદ્યોગો માટે જાણીતુ નથી.
અહી કૃષી તથા નાના ઉદ્યોગો છે પણ શીપ બિલ્ડીંગ એ વિશાળ ઉદ્યોગ છે અને તેની આનુસાંગીક ઉદ્યોગો રોજગારીને પણ વેગ આપશે. કેન્દ્ર સરકારની શીપ બિલ્ડીંગ સહાય યોજનાનો પણ લાભ મળશે. આમ ગુજરાતમાં અનેકવિધ ઉદ્યોગોને સ્થાન મળશે.

